
ચંડીગઢ,
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે મહારાષ્ટ્રના આગામી રાજ્યપાલ બનવાની અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે. કેપ્ટને પોતાને આ વાતથી અજાણ ગણાવ્યા છે, પરંતુ તેમણે આ વાતનો ઈનકાર પણ કર્યો નથી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે જે પણ નિર્ણય લેશે તેનાથી હું સહમત થઈશ. તેઓ જ્યાં ઇચ્છશે, ત્યાં હું રહીશ.
અમરિન્દરે કહ્યું કે- આ બધું કાલ્પનિક છે. મને કોઈએ સંપર્ક કર્યો નથી. હું આ અંગે કશું જ જાણતો નથી. હું પહેલાં જ પીએમને જણાવી ચૂક્યો છું કે જ્યાં તેઓ ઇચ્છશે, હું ત્યાં જ રહીશ મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે પછી મહારાષ્ટ્રમાં નવા રાજ્યપાલની નિમણૂક નક્કી માનવામાં આવી રહી છે. ત્યાર બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહના આગામી રાજ્યપાલ બનવાની અટકળોને ગતિ મળી રહી છે.
કેપ્ટનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો છે. ભાજપે અમરિન્દરને ૮૩ સભ્યોની રાષ્ટ્રીય કારોબારીમાં સામેલ કરી લીધા છે. ૨૯ જાન્યુઆરીએ ગૃહમંત્રી અમિત શાહની પટિયાલા રેલી યોજાવાની હતી ત્યારે પણ કેપ્ટનની નવી ભૂમિકા પર ચર્ચા તેજ બની હતી. બાદમાં તેને રદ કરવામાં આવી હતી.
કેપ્ટન અમરિન્દર સિંહ આગામી લોક્સભા ચૂંટણી લડશે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ કહેવું બહુ વહેલું ગણાશે. કેપ્ટને આવતા વર્ષે લોક્સભાની ચૂંટણી લડવા અંગે સ્પષ્ટ કંઇ કહ્યું નથી. હાલ કેપ્ટન અમરિંદર સિંહની પત્ની મહારાણી પ્રનીત કૌર પટિયાલાથી સાંસદ છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે કેપ્ટન અમરિન્દર સિંહનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. જોકે, પછી ભાજપે પોતાના ઉમેદવાર તરીકે પશ્ર્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડને મેદાનમાં ઉતાર્યા હતા. તે સમયે કેપ્ટનની વિદેશમાં સારવાર ચાલી રહી હતી. ત્યાં સુધીમાં કેપ્ટને પણ પોતાની પાર્ટીને અલગ રાખી હતી. જોકે હવે તેમણે પાર્ટીને ભાજપમાં જોડી દીધી છે.