- લોક્સભા ચૂંટણીમાં શરદ પવાર ભાજપને સાથ આપશે:બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર.
- એનસીપી અને ભાજપ વચ્ચે છુપાયેલો પ્રેમ ટૂંક સમયમાં જ સામે આવશે.
મુંબઇ,
શરદ પવાર હજુ પણ ભાજપ સાથે છે. ટૂંક સમયમાં બધાને આ વાત સમજાઈ જશે. આ ચોંકાવનારો દાવો બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે કર્યો છે. તેમણે પોતાના દાવાની તરફેણમાં એક જૂની ઘટના ટાંક્તા કહ્યું કે અજિત પવારે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ સાથે સરકાર બનાવી ત્યારે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં અજિત પવારે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તેમના પર આરોપ કેમ લગાવવામાં આવી રહ્યા છે? આ (ભાજપ સાથે જવું) તેમની પાર્ટીમાં લોક્સભાની ચૂંટણી પહેલા જ નક્કી થઈ ગયું હતું.
પ્રકાશ આંબેડકરે કહ્યું કે એનસીપી અને ભાજપ વચ્ચે છુપાયેલો પ્રેમ ટૂંક સમયમાં જ સામે આવશે. શરદ પવારની રાજનીતિ દરેકને સમજાશે, ભલે મોડું થાય. પ્રકાશ આંબેડકરે કહ્યું કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને સત્તાની જરૂર નથી. તેમણે માત્ર ભાજપનો સાથ છોડવો હતો. બીજી તરફ એનસીપી અને કોંગ્રેસને સત્તાની જરૂર હતી. આ રીતે રાજ્યમાં એક નવું રાજકીય સમીકરણ સર્જાયું અને મહાવિકાસ અઘાડીનો પાયો નંખાયો.
જણાવી દઈએ કે શિવસેનાના ઠાકરે જૂથ અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી વચ્ચે સોમવારેના રોજ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ અને એનસીપીએ આ ગઠબંધનને ઠંડો જવાબ આપ્યો હતો. સત્ય એ છે કે પ્રકાશ આંબેડકર માત્ર ઠાકરે જૂથને બદલે ચોથા પક્ષ તરીકે મહાવિકાસ અઘાડીમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી એક મરાઠી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે શરદ પવાર પર જોરદાર નિશાન સાધ્યું હતું.
પ્રકાશ આંબેડકરના આરોપનો જવાબ આપતા એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે કહ્યું કે, અજિત પવારે આવો ઈન્ટરવ્યુ આપ્યો હશે, તે માનવામાં આવતું નથી. ત્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવવાની શક્યતા હતી અને રાષ્ટ્રપતિ શાસન ન આવે તેથી આવો નિર્ણય લેવામાં આવ્યો હશે. બાદમાં અજિત પવારે મહાવિકાસ આઘાડી સરકારમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં કામ કર્યું. એનસીપીમાં બળવો નહોતો. શિવસેનાના ધારાસભ્યો તૂટવાને કારણે સરકાર પડી. એનસીપીએ અંત સુધી શિવસેનાને સમર્થન આપ્યું હતું.
જયંત પાટીલે કહ્યું કે, ઉલટાનું મહાવિકાસ અઘાડી બનાવીને ભાજપને રોકવાનું કામ શરદ પવારે કર્યું છે. પ્રકાશ આંબેડકર તેના વખાણ કેમ નથી કરતા? જો પ્રકાશ આંબેડકર ખરેખર ભાજપ વિરોધી હોય તો તેમણે શરદ પવારની ભૂમિકાને આવકારવી જોઈએ. પ્રકાશ આંબેડકર શરદ પવારના જૂના વિરોધી છે. અમારા માટે એ મહત્વનું છે કે આંબેડકરનું ભાજપ સામે શું વલણ છે. ભાજપ વિરોધી શક્તિઓનું એક થવું જરૂરી છે, તો જ મહારાષ્ટ્રમાં ભાજપને હરાવી શકાશે.