મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

મુંબઇ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા બાદ રાજીનામાના સમાચાર છે. સૂત્રોનું માનીએ તો અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ શકે છે. ચવ્હાણ મહારાષ્ટ્રના મરાઠા કોંગ્રેસના અગ્રણી નેતા છે અને મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

લોક્સભા ચૂંટણી પહેલા અશોક ચવ્હાણ જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતાનું રાજીનામું પાર્ટી માટે મોટો ફટકો હોવાનું કહેવાય છે. ચવ્હાણ પહેલા મુંબઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીકના મિલિંદ દેવરાએ પણ રાજીનામું આપી દીધું છે. બાબા સિદ્દીકીના તાજેતરના રાજીનામાથી પાર્ટી હજુ એ ઝટકામાંથી બહાર નીકળી રહી હતી, ત્યાં સુધી અન્ય એક મોટા નેતાના રાજીનામાથી મહારાષ્ટ્રમાં પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે.

અશોક ચવ્હાણ ડિસેમ્બર ૨૦૦૮થી નવેમ્બર ૨૦૦૯ સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. ચવ્હાણ નવેમ્બર ૨૦૦૯થી નવેમ્બર ૨૦૧૦ સુધીના તેમના બીજા કાર્યકાળમાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

અશોક ચવ્હાણના પિતા પણ મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ચવ્હાણના પિતા શંકર રાવ ચવ્હાણ એક વરિષ્ઠ નેતા હતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. નાંદેડથી અશોક ચવ્હાણ ૨૦૧૪ અને ૨૦૧૯ વચ્ચે લોક્સભાના સાંસદ પણ હતા. અશોક ચવ્હાણના રાજીનામા બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસની છાવણીમાં ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે. એવા અહેવાલો છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના વર્તમાન અયક્ષ નાના પટોલે દિલ્હી જવા રવાના થઈ ગયા છે.