ભારતીય વાયુસેનાનું એક સુખોઈ ફાઈટર પ્લેન મંગળવારે ક્રેશ થયું હતું. મહારાષ્ટ્રના નાસિકમાં આ અકસ્માત થયો હતો. નાસિક રેન્જના સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ ડી આર કરાલેએ જણાવ્યું કે સુખોઈ Su-30 MKI એરક્રાફ્ટ ના પાઈલટ અને કો-પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. વિમાન શિરગાંવ ગામ પાસે એક ખેતરમાં ક્રેશ થયું હતું.
અધિકારીએ જણાવ્યું કે વિમાન વિંગ કમાન્ડર બોકિલ અને તેમના સેકન્ડ ઇન કમાન્ડ બિસ્વાસ દ્વારા ઉડાડવામાં આવી રહ્યું હતું. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંને પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેમને HAL હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી, જેને ઓલવી લેવામાં આવી છે. વિમાનના ભાગો ૫૦૦ મીટરની ત્રિજ્યામાં ફેલાયેલા છે. ભારતીય વાયુસેના, HAL સિક્યુરિટી અને HAL ટેકનિકલ યુનિટની ટીમોએ સ્થળની મુલાકાત લીધી હતી.
રશિયન સુખોઈ -૩૦ MKI ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી વિમાન માનવામાં આવે છે. ભારતીય વાયુસેના પાસે ૨૭૨ સક્રિય સુખોઈ -૩૦ MKI છે, આ એરક્રાટમાં બે એન્જિન અને બે પાઈલટ માટે બેઠક છે. આમાંના કેટલાક એરક્રાફ્ટ ને સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ લોન્ચ કરવા માટે અપગ્રેડ પણ કરવામાં આવ્યા છે.
સુખોઈ એરક્રાફ્ટ ૩,૦૦૦ કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. જ્યારે તેની ક્રૂઝ રેન્જ ૩,૨૦૦ કિલોમીટર અને કોમ્બેટ ત્રિજ્યા ૧,૫૦૦ કિલોમીટર સુધીની છે. વજનમાં ભારે હોવા છતાં, આ ફાઇટર પ્લેન તેની હાઇ સ્પીડ માટે જાણીતું છે. આ એરક્રાફ્ટ ૨,૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઊડી શકે છે.
રાજસ્થાનના પોકરણમાં આયોજિત ભારત શક્તિ કવાયતલ્લમાં ભાગ લઈ રહેલું તેજસ ફાઈટર જેટ ૨૭ ફેબ્રુઆરીએ બપોરે લગભગ ૨ વાગ્યે ક્રેશ થયું હતું. જેસલમેર શહેરથી ૨ કિલોમીટર દૂર જવાહર નગર સ્થિત ભીલ સમુદાયની હોસ્ટેલ પર તે પડી હતી. તેજસ ક્રેશની આ પ્રથમ ઘટના હતી. ઘટના સમયે હોસ્ટેલના રૂમમાં કોઈ નહોતું. તેનાથી બહુ નુક્સાન થયું નથી. આ દુર્ઘટના પોકરણમાં ચાલી રહેલી ક્સરત સ્થળથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર જેસલમેરમાં થઈ હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભારતીય વાયુસેનાનું એક પ્રશિક્ષણ વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. મેડકની બહાર પરિધિ રાવેલીમાં પ્લેન ક્રેશ થયું હતું.
IAFના જણાવ્યા અનુસાર, પ્લેનમાં બે પાયલટ હાજર હતા. જેમાં એક ટ્રેનર હતો જે નવા કેડેટને પ્લેન ઉડવાનું શીખવી રહ્યો હતો. વિમાને સોમવારે સવારે ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી ઉડાન ભરી હતી અને સવારે ૮:૫૫ વાગ્યે ક્રેશ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડીવારમાં જ પ્લેન બળીને રાખ થઈ ગયું હતું.