- મહારાષ્ટ્રની કુલ ૬૦ જેલમાં કેદીઓની સંખ્યા ૪૧,૦૭૫ છે.
મુંબઈ,
મહારાષ્ટ્રની કુલ ૬૦ જેલમાં કેદીઓની સંખ્યા ૪૧,૦૭૫ છે, જે એમની ૨૪,૭૨૨ની કુલ ક્ષમતા કરતાં લગભગ ૧૬,૩૫૩ જેટલા વધુ છે એમ જેલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું છે. ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પૂરા થતા સમયગાળા માટે જાહેર કરાયેલી આંકડાકીય માહિતી છેલ્લાં કેટલાંક વર્ષોથી કેદીઓની સંખ્યામાં સતત વધારો દર્શાવે છે.
જાન્યુઆરી ૨૦૨૩ની ૩૧ જાન્યુઆરીની ગણતરી મુજબ રાજ્યની તમામ ૬૦ જેલની ક્ષમતા ૨૪,૭૨૨ કેદીઓની છે. રાજ્યની ૬૦માંથી ૧૮ જેલમાં ક્ષમતા કરતાં બમણા કે એથી વધુ સંખ્યામાં કેદીઓ છે.
આવી ક્ષમતા કરતાં વધુ કેદીઓ ધરાવતી જેલોનો ઑક્યુપન્સી રેટ જોઈએ તો મુંબઈ સેન્ટ્રલ જેલ (૪૪૬ ટકા), થાણે સેન્ટ્રલ જેલ (૩૮૯ ટકા ) અને બુલઢાણા ડિસ્ટ્રિક્ટ જેલ (૩૮૭ ટકા)નો વધુ છે. ૨૦૨૧ના ૩૧ ડિસેમ્બરના આંકડાઓ પર નજર કરીએ તો પુણેની યેરવડા સેન્ટ્રલ જેલમાં સૌથી વધુ ૫,૯૬૬ કેદીઓ છે. ત્યાર બાદના ક્રમે થાણે સેન્ટ્રલ જેલમાં ૪,૪૭૪, મુંબઈ સેન્ટ્રલ જેલમાં ૩,૪૨૪ અને તળોજા જેલમાં ૨,૮૧૯ કેદીઓ છે.
રિપોર્ટમાં જણાવાયું હતું કે ૨૦૧૭માં જેલ ઑક્યુપન્સી રેટ ૧૩૬.૧૯ ટકા હતો, જે ૨૦૧૮માં ૧૪૮.૯૩ ટકા, ૨૦૧૯માં ૧૫૨.૭૨ ટકા, ૨૦૨૦માં ૧૨૮.૭૦ ટકા અને ૨૦૨૧માં ૧૪૮.૮૦ ટકા છે. દેશની જેલોના ઑક્યુપન્સી રેટમાં ૨૦૨૧માં મહારાષ્ટ્ર સાતમા ક્રમે રહ્યું હતું. ૨૦૨૧માં ૬૦ જેલમાં કુલ કેદીઓની સંખ્યા ૩૪,૮૧૮ હતી, જેમાં ૯૬ ટકા પુરુષો હતા અને ચાર ટકા મહિલાઓ હતી. ૨૦૨૩ની ૩૧ જાન્યુઆરીએ જેલમાં કેદીઓની સંખ્યા ૪૧,૦૭૫ હતી, જેમાંથી ૩૯,૫૦૪ પુરુષો હતા અને ૧,૫૫૬ મહિલાઓ હતી તથા ૧૫ ટ્રાન્સજેન્ડર્સ હતા. આમાંથી પણ ૭૯૪૯ આરોપીઓ, ૩૨,૯૧૭ અન્ડરટ્રાયલ કેદીઓ અને ૨૦૯ અટકાયત કરાયેલા શકમંદો હતા. જેલમાં ૬૦૬ વિદેશી નાગરિકો પણ હતા એમ જાહેર કરાયેલી આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું. ૨૦૨૧-’૨૨માં જેલમાં ચાલતા ફૅક્ટરી ઉદ્યોગમાંથી ૧૧.૧૦ કરોડ રૂપિયાની અને કૃષિ-ઉત્પાદનો દ્વારા ૨.૩૬ કરોડ રૂપિયાની આવક થઈ હતી.