- આગામી થોડા દિવસોમાં તાપમાનમાં મોટો વધારો થવાની સંભાવના છે.
મુંબઇ,મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. પૂણેના હવામાન વિભાગે પણ ચેતવણી જાહેર કરી છે કે આગામી થોડા દિવસોમાં તાપમાનમાં મોટો વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રમાં ઘણા શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. કમોસમી વરસાદ બાદ હવે કાળઝાળ ગરમીએ લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું છે.
નવી મુંબઈના ખારઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ વિતરણ કાર્યક્રમમાં ભારે ગરમીના કારણે ૧૩ લોકોના મોત થયા હતા. હાલમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે. એપ્રિલની શરૂઆતથી વિદર્ભ ક્ષેત્રના ઘણા શહેરોમાં તાપમાન વધવાનું શરૂ થયું.
વિશ્ર્વનું સૌથી ગરમ શહેર હોવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ ચંદ્રપુરનું તાપમાન છેલ્લા ૬ દિવસથી સતત વધી રહ્યું છે. ૧૨ એપ્રિલે ચંદ્રપુરનું તાપમાન ૪૨.૨ ટકા, ૧૩ એપ્રિલે ૪૩.૨ ટકા, ૧૪ એપ્રિલે ૪૨.૮ ટકા અને ૧૭ એપ્રિલે ૪૩.૨ ટકા નોંધાયું હતું.
ભુસાવલની વાત કરીએ તો ૧૩ એપ્રિલ બાદ સોમવારે પાંચમા દિવસે તાપમાન ૪૩.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, પશ્ર્ચિમ વિસ્તારમાંથી આવતા ગરમ પવનોને કારણે એપ્રિલના બાકીના ૧૩ દિવસ તાપમાન ૪૨થી ૪૭ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાનું છે. નિષ્ણાતોના મતે ૨૯ એપ્રિલે રાજ્યમાં તાપમાન ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.
નંદુરબાર જિલ્લામાં પણ તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તાપમાનમાં વધારો થવાના કારણે વિજળીના યુનિટનો વપરાશ પણ વધી રહ્યો છે. જેના કારણે વીજળીનો વપરાશ વધવાની અને સામાન્ય માણસ પાસેથી વધુ વીજ બિલ મળવાની શક્યતા વધી ગઈ છે.
એક તરફ તાપમાનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદનો કહેર અટકવાનો નથી. આગામી બે દિવસ પૂણે શહેરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આજે અને આવતીકાલે પૂણે જિલ્લામાં વરસાદની સંભાવના છે. પૂણે શહેર સહિત સમગ્ર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂણે જિલ્લાના તાપમાનની વાત કરીએ તો બપોર બાદ તાપમાનમાં વધારો થશે. હાલમાં તે ૪૦ ડિગ્રી સેલ્સિયસ છે.
આ સિવાય મધ્યમહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વીજળી, ગાજવીજ અને કમોસમી વરસાદ પડશે. આવી સ્થિતિમાં ફરી એકવાર દ્રાક્ષ, કેળા અને સંતરાના બગીચાઓમાં ઉગાડવામાં આવતા ફળો બગડવાની સંભાવના છે. બીજી તરફ ઘઉં, જુવાર, મકાઈ, લીલોતરી-શાકભાજીની ખેતી જે અત્યાર સુધી બાકી હતી તે ફરી બગડી જવાની સંભાવના છે.