મુંબઇ, મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ હિંસક બન્યું છે. સૌથી વધુ અસરગ્રસ્ત બીડ જિલ્લામાં સાવચેતીના પગલાં તરીકે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અહીં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જાલનામાં છેલ્લા ૧૨ કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન, શિંદે સરકાર આખી રાત સક્રિય સ્થિતિમાં રહી. મોડી રાત્રે ઝ્રસ્ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મિટિંગ કરી હતી. દિવ્ય મરાઠીના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આજે બપોર સુધીમાં કેબિનેટની મિટિંગ બોલાવી શકે છે. આમાં તે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી શકે છે. સરકાર મરાઠાઓને અનામત આપવા માટે વટહુકમ પણ લાવી શકે છે. મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે જાલનાના અંતરૌલીમાં ૬ દિવસથી ભૂખ હડતાળ પર છે. મંગળવારે સવારે મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરી હતી. આ પછી તેણે પાણી પીધું.
રાજ્યમાં બે દિવસમાં રાજ્ય પરિવહન નિગમની ૧૩ બસોમાં તોડફોડ કરવામાં આવી છે. જેના કારણે ૨૫૦ પૈકી ૩૦ ડેપો બંધ કરવા પડ્યા હતા. પથ્થરબાજી બાદ પુણે-બીડ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. સોમવારે રાત્રે મરાઠા સમુદાયના વિરોધીઓએ બીડ બસ ડેપોમાં તોડફોડ કરી હતી. એક હજાર જેટલા લોકોનાં ટોળાએ ડેપોમાં ઘૂસી ૬૦થી વધુ બસોના કાચ તોડી નાખ્યા હતા. સ્ટેશનનો કંટ્રોલ રૂમ પણ તૂટી ગયો હતો. બસમાં લાગેલી આગને ઓલવવા આવેલી ફાયર બ્રિગેડની ગાડીને પણ પ્રદર્શનકારીઓએ આગ ચાંપી દીધી હતી.
આ વર્ષે ઓગસ્ટથી મરાઠા આરક્ષણ આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા ૧૧ દિવસમાં અનામતની માગને લઈને ૧૩ લોકોએ આત્મહત્યા કરી છે. સોમવારે, ૩૦ ઓક્ટોબરના રોજ વિરોધીઓએ બીડમાં બે ધારાસભ્યોનાં ઘરોને આગ લગાવી દીધી હતી અને શરદ પવારના જૂથની એનસીપીની ઓફિસને પણ સળગાવી દીધી હતી.
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગણી સાથે રવિવારે (૨૯ ઓક્ટોબર) અન્ય એક યુવકે આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ બીડ જિલ્લાના પરલી તાલુકાના રહેવાસી ગંગાભીષણ રામરાવ તરીકે થઈ છે. રાજ્યમાં ૧૧ દિવસમાં ૧૩ લોકોએ આત્મહત્યા કરી છે. હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી. લાતુરમાં ઘણા મેડિકલ વિદ્યાર્થીઓ પણ મરાઠા આરક્ષણની માગ સાથે ભૂખ હડતાળ પર બેઠા છે. કાર્યર્ક્તા મનોજ જરાંગેની અપીલ પર, રવિવાર ૨૯ ઓક્ટોબરે મરાઠા ક્રાંતિ મોરચાના ૬ કાર્યકરો અનિશ્ર્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠા હતા.તે જ સમયે, સોમવાર ૩૦ ઓક્ટોબર સુધીના છેલ્લા ૪૮ કલાકમાં, મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની ૧૩ બસોને નુક્સાન થયું છે. જેને જોતા રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા ૨૫૦ ડેપોમાંથી ૩૦ ડેપોમાંથી કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૦ ઓક્ટોબર, સોમવારે સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે ૧૧ હજાર ૫૩૦ જૂના રેકોર્ડમાં કુણબી જાતિનો ઉલ્લેખ છે. તેમણે કહ્યું કે ૩૧ ઓક્ટોબરે નવા પ્રમાણપત્રો જાહેર કરવામાં આવશે. શિંદેએ આ વાત ત્યારે કહી જ્યારે મરાઠા સમુદાય કુણબીની જેમ ઓબીસી આરક્ષણની માગ કરી રહ્યો છે.
શિંદેએ એમ પણ કહ્યું હતું કે મરાઠા આરક્ષણ મુદ્દે ૩ સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે, જે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટમાં મરાઠા આરક્ષણ પર ક્યુરેટિવ પિટિશન દાખલ કરવા અંગે સલાહ આપશે. આ સમિતિની અયક્ષતા જસ્ટિસ સંદીપ શિંદે (નિવૃત્ત) કરશે.શિંદેએ કહ્યું કે- આ મુદ્દો ઘણો જૂનો છે. દેવેન્દ્ર ફડણવીસે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ મરાઠાઓને અનામત આપી હતી, પરંતુ કમનસીબે સુપ્રીમ કોર્ટે તેને રદ કરી હતી. અમે એક કમિટી બનાવી છે. રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.
અમે મરાઠા આરક્ષણ માટે બે રીતે કામ કરી રહ્યા છીએ. પહેલું – કુણબી પ્રમાણપત્ર દ્વારા અને બીજું – સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દ્વારા. મહેસૂલ મંત્રી દ્વારા કુણબી પ્રમાણપત્ર જલદી આપવા સૂચના આપવામાં આવી છે. સરકાર સુપ્રીમ કોર્ટમાં સાબિત કરશે કે મરાઠા સમાજ કેટલો પછાત છે.
મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જારંગે જાલનાના અંતરૌલીમાં ૬ દિવસથી ભૂખ હડતાળ પર છે. શિંદેએ કહ્યું- મારી મનોજ જારંગેને અપીલ છે કે અમને થોડો સમય આપો. સરકાર તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. તેમને દવા અને પાણી લેવા અપીલ છે.