મહારાષ્ટ્રના મરાઠવાડામાં કમોસમી વરસાદથી ૧૦નાં મૃત્યુ,સૌથી વધુ મોત બીડમાં

મુંબઇ, મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં નવમી એપ્રિલથી ચાલુ થયેલા કમોસમી વરસાદના કારણે ૧૦ લોકો અને ૧૫૦ પશુઓનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ છે. મરાઠવાડામાં છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, પરભણી, લાતૂર, નાંદેડ, ધારાશિવ, અને હિંગોલી એમ આઠ જિલ્લાનો સમાવેશ થાય છે.

રાજ્યના મહેસૂલ વિભાગે પ્રસિદ્ધ કરેલા રિપોર્ટ અનુસાર, મરાઠવાડામાં કમોસમી વરસાદના કારણે ૯,૧૨૭ ખેડૂતોની ૫,૨૫૬.૮૬ હેક્ટર કરતાં વધારે જમીનો પરના પાકને નુક્સાન થયું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વરસાદના કારણે અત્યાર સુધીમાં ૧૦ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તેમાં સૌથી વધારે ત્રણ મૃત્યુ બીડમાં, જ્યારે છત્રપતિ સંભાજીનગર, પરભણી, અને લાતૂરમાં બે બે મૃત્યુ નોંધાયાં છે. આ વિસ્તારમાં ૧૭ દૂધાળાં પશુ સમેત ૧૫૨ જેટલાં પશુઓનાં મૃત્યુ થયાં હોવાનું પણ મહેસૂલ વિભાગે જણાવ્યું છે