મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ ફરી ઠેલાતાં શિવસેનાના ધારાસભ્યોમાં કચવાટ શરૂ થયો

  • શિંદે જૂથના દાવા અનુસાર બીજી જૂને મંત્રીમંડળનું વિસ્તરણ

મુંબઈ, મહારાષ્ટ્ર મંત્રીમંડળનું આજકાલમાં થનારું વિસ્તરણ વધુ એક વખત પાછું ઠેલાયું છે. શિવસેના નેતાઓના દાવા મુજબ હવે વિસ્તરણ બીજી જૂને થઈ શકે છે. જોકે, ભાજપના કેટલાક નેતાઓના દાવા અનુસાર ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તે પછી મહારાષ્ટ્ર મંત્રીમંડળનું વિસ્તરણ થશે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં એકનાથ શિંદે સરકારને મળેલાં જીવતદાન તથા તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની મુલાકાત વખતે વિસ્તરણને લીલી ઝંડી છતાં પણ વિસ્તરણ વધુ એક વાર પાછું ઠેલાતાં શિવસેનાના ઈચ્છૂક ધારાસભ્યોમાં કચવાટ ફેલાયો છે. જ્યારથી સત્તા સંઘર્ષ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાહેર થયો છે.ત્યારથી શિંદે-ફડણવીસ સરકારના પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડયું છે. શિવસેનાના નેતાઓ દ્વારા પ્રધાનમંડળના વિસ્તરણની તારીખો આપવામાં આવી રહી છે. પરંતુ ભાજપના નેતાઓએ જાહેરમાં કોઈ તારીખ આપતા નથી. તેઓ ખાનગીમાં કહે છે કે હવે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ જ રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

મળતી માહિતી મુજબ, આગામી લોક્સભા ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્રમાં પ્રધાનમંડળમાં મોટા ફેરફારો થઈ શકે છે. શિવસેનાના સાંસદોને પણ કેન્દ્રીય પ્રધાનમંડળમાંમ સામેલ કરવામાં આવે એવી રાજકીય વર્તુળમાં ચર્ચા છે. આથી ભાજપના વરિષ્ઠ નેતાઓએ માહિતી આપી છે કે જ્યાં સુધી કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ ન થાય ત્યાં સુધી રાજ્ય પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે નહીં. આગામી ૧૫ દિવસમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરબદલની શક્યતા છે.

મંત્રીપદની રેસમાં કોણ?

શિવસેના: ભરત ગોગાવલે, સંજય શિરસાટ, પ્રતાપ સરનાઈક, અનિલ બાબર ,પ્રકાશ આંબિટકર, સંજય રાયમુલકર ,સંજય ગાયકવાડ ,સદાસરવણકર,યામિની જાધવ, બચ્ચું કડું ,સુહાસ કાંદે,ચિમનરાવ પાટીલ,આશિષ જયસ્વાલ,ગીતા જૈન જયારે ભાજપના આશિષ શેલાર, યોગેશ સાગર,પ્રવીણ દરેકર, સંજય કુટે, સંભાજી પાટીલ નિલંગેકર,મેઘના બોર્ડીક, દેવયાની ફરાંદે, રાણા જગજીતસિંહ પાટીલ, રાહુલ કુલ,માધુરી મિસાલ, નિતેશ રાણે, જયકુમાર રાવલ

શિંદે-ફડણવીસ સરકાર દ્વારા પ્રધાનમંડળના વિસ્તરણ અંગે સતત નારાજગી વ્યક્ત કરતા ધારાસભ્ય બચુ કડુને વિસ્તરણ પહેલા જ મંત્રીપદનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમને વિકલાંગ મંત્રાલયની રાજ્ય સ્તરીય સમિતિના અધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે. નવા સ્થપાયેલા દિવ્યાંગ કલ્યાણ મંત્રાલય વતી, રાજ્ય સરકાર જૂન મહિનામાં ’દિવ્યાંગના દ્વારે’ અભિયાન હાથ ધરશે. આ હેતુ માટે રચાયેલી રાજ્ય સ્તરીય સમિતિના અધ્યક્ષ અને મુખ્ય માર્ગદર્શક તરીકે બચ્ચુ કડુની નિમણૂક કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં વિકલાંગ વ્યક્તિઓની સંખ્યા ૨૯ લાખ ૬૩ હજાર ૩૯૨ છે. જો કે દિવ્યાંગોને મળતી સુવિધાઓનો લાભ ઘણા લોકો સુધી પહોંચતી ન હોવાથી તેમના સુધી પહોંચાડવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગોને જરૃરી પ્રમાણપત્રો, ખેતીની જમીનને લગતા દસ્તાવેજો, જાતિના પ્રમાણપત્ર, અને અન્ય જરૃરી પ્રમાણપત્રો મેળવવા માટે દરેક જિલ્લામાં એક દિવસ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ માટે દરેક જિલ્લામાં દિવ્યાંગોને લઈ જવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કેમ્પના સ્થળે જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ હાજર રહે તે ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અભિયાન માટે દરેક જિલ્લાને બે લાખ રૃપિયાનું ફંડ આપવામાં આવશે.હું મંત્રી ન હોઉં તો પણ કામ કરું છું. જો હું મંત્રી બનીશ તો ઝડપથી કામ કરીશ. પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ થવું જોઈએ. વિસ્તરણની તાત્કાલિક જરૃર એમ કડુએ તાજેતરમાં જણાવ્યું હતું.