મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો, એનસીપી જૂથના સભ્યો શરદ પવાર સાથે સંપર્કમાં

લોક્સભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અજિત પવાર એનસીપીના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે સંપર્ક કરવાના છે. આ પહેલા સમાચાર સામે આવી રહ્યા છે કે એનસીપીના ૧૦-૧૫ ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે. સૂત્રોનું કહેવું છે કે આ ધારાસભ્ય શરદ પવારને પોતાનું સમર્થન આપી શકે છે. બીજી તરફ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે. આ પછી મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ચૂંટણી પરિણામો બાદ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરીને લઈને અનેક અટકળો શરૂ થઈ છે. આ સાથે ઉદ્ધવ ઠાકરે એનડીએમાં સામેલ થવાને લઈને અફવાએ જોર પકડ્યું છે. ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં કંઈક મોટું થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

ચૂંટણી પરિણામો અને ફડણવીસના ડેપ્યુપટી પદેથી રાજીનામું આપવાની રજૂઆત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ચૂંટણી પરિણામોએ બીજા ડેપ્યુટી સીએમ અજિત પવારને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તેમની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માત્ર રાયગઢ બેઠક જીતી શકી હતી. તેમના ગઢ બારામતીમાં પણ અજિત પવારની પાર્ટી ખાસ પ્રદર્શન કરી શકી નથી. તેમની પત્ની સુનેત્રા પવાર માત્ર સુપ્રિયા સુલે સામે હાર્યા જ નહીં, પરંતુ તેઓ અજિત પવારની પોતાની વિધાનસભા બેઠક બારામતીમાં સુપ્રિયા સુલેથી પણ પાછળ રહી ગયા. અજિત પવાર માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હીમાં જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે . તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની લોક્સભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું, ‘મહારાષ્ટ્રમાં ભાજપને જે આંચકો લાગ્યો તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું, કારણ કે હું પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે હું વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ સમય આપવા માંગુ છું. હું ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરું છું કે મને સરકારી જવાબદારીઓમાંથી મુક્ત કરો જેથી હું આગામી ચૂંટણીમાં પાર્ટી માટે સખત મહેનત કરી શકું. મહારાષ્ટ્રમાં ૪૮ બેઠકોમાંથી NDA ને માત્ર ૧૭ બેઠકો મળી છે. ઈન્ડિયા બ્લોકે ૩૦ સીટો જીતી છે.