
મુંબઇ, મહારાષ્ટ્રમાં એનસીપી પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પછી પુત્રી સુપ્રિયા સુલે પોલીસ પાસે પહોંચી અને જરૂરી કાર્યવાહીની માંગ કરી. સુપ્રિયા સુલેએ મીડિયાને કહ્યું, ‘મને પવાર સાહેબ માટે વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. તેને એક વેબસાઈટ દ્વારા ધમકી આપવામાં આવી છે. આથી હું પોલીસ પાસે ન્યાયની માંગણી કરવા આવી છું. હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને વિનંતી કરું છું. આવા કૃત્યો નિમ્ન સ્તરનું રાજકારણ છે અને તેને રોકવું જોઈએ.
આ દરમિયાન શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ૨૩ જૂને પટનામાં યોજાનારી વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ લેશે. આ બેઠક બિહારના મુખ્યમંત્રી અને જદયુ પ્રમુખ નીતિશ કુમારની પહેલ પર યોજાવા જઈ રહી છે. અગાઉ આ બેઠક માટે ૧૨ જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસના કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. દરમિયાન કોંગ્રેસે પણ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી બેઠકમાં હાજરી આપશે.
જ્યાં સુધી મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલની પાર્ટીનો સવાલ છે, તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ નથી. નીતીશ કુમારનું કહેવું છે કે જો તમામ પાર્ટીઓ સાથે મળીને લડે તો આગામી લોક્સભા ચૂંટણીમાં ભાજપને ૧૦૦થી પણ ઓછી સીટો પર લાવી શકાય છે.
પવારે કહ્યું કે નીતીશ કુમારે તેમને બેઠકમાં હાજરી આપવા માટે બોલાવ્યા છે. નીતીશ કુમારે દેશના મુખ્ય વિપક્ષી નેતાઓને બેઠક માટે આમંત્રણ આપ્યું છે અને હું પણ જઈશ. તેમણે આ મીટિંગ માટેનું આમંત્રણ સ્વીકાર્ય છે કારણ કે રાષ્ટ્રીય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાની જરૂર છે અને કારણને સમર્થન આપવાની અમારી જવાબદારી છે.