મહારાષ્ટ્રમાં એનસીપીઁના હાલ પણ થયા શિવસેના જેવા: જાણો વિપક્ષ પાસે હવે કેટલા ધારાસભ્યો રહ્યા

મુંબઇ, મહારાષ્ટ્રનું રાજકારણ કાયમને માટે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહે છે. અહીં આજે રવિવારે રાજકીય ડ્રામા સર્જાયો, જેમાં એનસીપી નેતા અજિત પવાર તેમના કાકા શરદ પવારની પાર્ટીને છોડીને ૨૯ ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયા છે. આ ઘટનાક્રમે બરાબર એક વર્ષ પહેલાનો સમય યાદ દેવડાવી દીધો છે. જૂન ૨૦૨૨ના અંતમાં શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે અને શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પટનામાં વિપક્ષી એક્તા બેઠકમાં રાહુલ ગાંધી સાથે મંચ શેર કરવા અને તેમને સહકાર આપવાના શરદ પવારના એક્તરફી નિર્ણયથી એનસીપીના ઘણા ધારાસભ્યો નારાજ હતા. અજિત પવારે રવિવારે તેમના નિવાસસ્થાને એક મોટી બેઠક યોજી હતી. જેમાં પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો પહોંચ્યા હતા. આ બેઠક બાદ પવાર સીધા રાજભવન પહોંચ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ એનસીપીના અજિત પવાર જૂથ સાથે ૩૦ ધારાસભ્યો છે જ્યારે શરદ પવાર જૂથ પાસે હવે માત્ર ૨૩ ધારાસભ્યો છે. હવે એનસીપીમાં બળવા પછી મહારાષ્ટ્ર વિધાનસભામાં સત્તા પક્ષ અન વિપક્ષ પાસે કેટલા ધારાસભ્યો રહ્યા એના પર એક નજર કરીએ:

એકનાથ શિંદે સાથે ધારાસભ્ય

ભાજપ- ૧૦૫

શિવસેના (શિંદે જૂથ) – ૪૦

એનસીપી (અજિત પવાર જૂથ) – ૩૦

અન્ય પક્ષો – ૮

સ્વતંત્ર – ૧૩

મહાગઠબંધન સમર્થક ધારાસભ્ય

એનસીપી (શરદ પવાર જૂથ) – ૨૩

કોંગ્રેસ – ૪૫

શિવસેના (ઉદ્ધવ જૂથ) – ૧૭

અન્ય પક્ષો – ૭

શરદ પવાર માટે આગળ પણ મુશ્કેલીઓ છે

ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ જે રીતે એકનાથ શિંદેએ શિવસેના પક્ષ પર દાવો કરીને ઉદ્ધવ ઠાકરેને મૂંઝવણમાં મૂક્યા હતા એ રીતે અજિત પવાર પણ એનસીપી પર દાવો કરીને શરદ પવારને પજવી શકે છે. કારણ કે પાર્ટીના ૫૩માંથી ૩૦ ધારાસભ્યો તેમની સાથે છે. એનસીપીઁના પાંચમાંથી પ્રફુલ પટેલ સહિત ૩ સાંસદો પણ અજિત પવારની સાથે હોવાનું જાણવા મળે છે. પ્રફુલ પટેલને તાજેતરમાં શરદ પવારે તેમની પુત્રી સુપ્રિયા સુલે સાથે કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા.