મુંબઇ, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તે પહેલા આજે એટલે કે મંગળવારે મહા વિકાસ આઘાડી (એમવીએમ)માં સીટ વિતરણની જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શરદ પવાર જૂથની એનસીપી અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના આ ગઠબંધનમાં સામેલ છે. સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને સૌથી વધુ ૨૧ સીટો મળી છે. આ સિવાય મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ૧૭ બેઠકો મળી છે જ્યારે શરદ પવારની પાર્ટીને ૧૦ બેઠકો મળી છે. સીટ વહેંચણીની જાહેરાત બાદ મુંબઈ કોંગ્રેસમાં નારાજગી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરે સામે દિલ્હી હાઈકમાન્ડ ઝૂકવાથી મુંબઈ કોંગ્રેસ નારાજ છે. મુંબઈ કોંગ્રેસે ત્રણ બેઠકોની માંગણી કરી હતી, પરંતુ ઠાકરેના દબાણને કારણે કોંગ્રેસને મુંબઈ, ઉત્તર-મય મુંબઈ અને ઉત્તર મુંબઈમાં માત્ર બે બેઠકો મળી. આ સીટ વહેંચણીના કારણે મુંબઈ કોંગ્રેસ અયક્ષ વર્ષા ગાયકવાડ નારાજ છે. આ નારાજગીના કારણે વર્ષા ગાયકવાડ આજે પત્રકાર પરિષદમાં આવ્યા ન હતા. વર્ષા ગાયકવાડ દક્ષિણ-મય મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડવા માગતી હતી. ગાયકવાડ પરિવારની આ પરંપરાગત બેઠક છે. સાથે જ વર્ષા ગાયકવાડની નારાજગી પર નાના પટોલેએ કહ્યું કે હાઈકમાન્ડના આદેશનું સન્માન કરવું પડશે.
બેઠક વહેંચણીની જાહેરાત કરતા શરદ પવારે કહ્યું કે અમે બધા સાથે છીએ, કોઈ મતભેદ નથી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પ્રકાશ આંબેડકર તેમની સાથે નથી, તે દુ:ખની વાત છે. તેમણે કહ્યું કે અમે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છીએ. મહા વિકાસ અઘાડીમાં બેઠકોની વહેંચણીને લઈને ટોચના નેતાઓ વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ હતી. શિવસેના-કોંગ્રેસના નેતાઓ કેટલીક બેઠકો પર દાવો કરી રહ્યા હતા. પાર્ટીના વિભાજન બાદ શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના પહેલીવાર લોક્સભાની ચૂંટણી લડશે.