મહારાષ્ટ્ર,સોમવારે મુંબઇ ભાજપના વડા આશિષ શેલાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેને મળતાં બંને પક્ષો વચ્ચે જોડાણની અટકળોને વેગ મળ્યો હતો. શેલારે જણાવ્યું હતું કે, જૂના મિત્રો વચ્ચે બેઠકો યોજાતી રહે છે. જોકે તેમણે જણાવ્યું કે, યોગ્ય સમયે વિગતો શેર કરવામાં આવશે.દાદરમાં ઠાકરેને મળ્યા પછી શેલારે પત્રકારોને જણાવ્યું કે, રાજ ઠાકરે અને હું લાંબા સમયથી મિત્રો છીએ.
અમે બીજાં મુદ્દાઓ પર ચર્ચા કરવા પણ મળતા હોઈએ છીએ. તમને યોગ્ય સમયે માહિતી આપીશ. મુંબઇમાં ઉધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને કદ પ્રમાણે વેતરી નાખવા માટે મરાઠી મતોમાં ભાગલા પાડવા ભાજપ એમએનએસ સાથે જોડાણ કરે તેવી અટકળો મહારાષ્ટ્રનાં રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. તાજેતરમાં મનસેના નેતાઓનું પ્રતિનિધિમંડળ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસને મળ્યું હતું. એ સમયે ફડનવિસે કહ્યું હતું કે, ભાજપ અને મનસે મિત્ર પક્ષો છે પણ જોડાણ અંગે કોઇ ચર્ચા થઈ નથી. લોક્સભા ચૂંટણી પહેલાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે પુત્ર ઉધવને આગળ લાવવાનાં બાળ ઠાકરેનાં પ્રયાસોને કારણે ૨૦૦૬માં શિવસેના (સંયુક્ત)માંથી છૂટા પડીને રાજ ઠાકરેએ મનસેની રચના કરી હતી.