મુંબઇ,
મુંબઈ મહિલા મુસાફરોને આજથી ૧૭ માર્ચથી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા સંચાલિત તમામ બસોના ભાડામાં ૫૦ ટકાની છૂટ મળશે. એમએસઆરટીસીએ આ જાહેરાત કરી હતી. એમએસઆરટીસી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ છૂટ ‘મહિલા સન્માન યોજના’ હેઠળ આપવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર કોર્પોરેશનને વળતર આપશે.
મહારાષ્ટ્રના નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૯ માર્ચે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે જાહેર પરિવહન સંસ્થાની બસોમાં તમામ મહિલા મુસાફરોને ૫૦ ટકા રાહત આપવાની જાહેરાત કરી હતી. રીલીઝ મુજબ, એમએસઆરટીસી ૧૫,૦૦૦ થી વધુ બસો ચલાવે છે જેમાં દરરોજ ૫૦ લાખથી વધુ લોકો મુસાફરી કરે છે.
એમએસઆરટીસી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ કેટલી મહિલાઓને મળશે તે નક્કી કરવું મુશ્કેલ છે કારણ કે તેઓ અગાઉ લિંગ-આધારિત ટિકિટો જારી કરતા ન હતા. એમએસઆરટીસીની ધારણા મુજબ મહિલા મુસાફરોની વસ્તી તેના કુલ બસ વપરાશર્ક્તાઓના ૩૫-૪૦ ટકાની રેન્જમાં હશે, એમ તેઓએ જણાવ્યું હતું. નોંધનીય છે કે ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે, મહારાષ્ટ્ર સરકારે ૭૫ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં ૧૦૦ ટકા અને ૬૫ થી ૭૪ વર્ષની વય જૂથના મુસાફરો માટે ૫૦ ટકા રાહતની જાહેરાત કરી હતી.