મુંબઇ,
મહારાષ્ટ્રમાં લમ્પી સ્કિન ડિસિઝ (ગાય,ભેંસને થતો લમ્પી નામનો ચામડીનો રોગ)ને કારણે ૨૫,૭૨૭ પશુઓનાં મૃત્યુ થયાં છે.મહારાષ્ટ્રમાં ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં ગાય, ભેંસ, બળદ વગેરે ઢોરમાં લમ્પી નામનો ચામડીનો રોગ ફેલાયો છે.પશુધનનો આટલી મોટી સંખ્યામાં નાશ થયો હોવાથી મહારાષ્ટ્ર સરકારે ક્સિાનોને વળતરરૂપે ૩૧ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
મહારાષ્ટ્ર સરકારનાં પશુ પાલન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે રાજ્ય સરકારે ૧૧,૪૨૭ ખેડૂતોને નાણાંકીય વળતર આપ્યું છે. વળી, રાજ્ય સરકારે લમ્પી ચેપી રોગચાળા પર કાબૂ મેળવવા માઝા ગોથા, સ્વચ્છ ગોથા(મારી ગમાણ, સ્વચ્છ ગમાણ) ઝુંબેશ પણ શરૂ કરી છે. પશુઓને થતા ચેપી રોગના તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ ઢોરમાં ફેલાતો લમ્પી ચેપી રોગ છે. જોકે લમ્પી ગાય કે ભેંસ દ્વારા કે ગાયના દૂધ દ્વારા માનવીમાં નથી ફેલાતો. ફક્ત ગાય ,ભેંસ, બકરી વગેરે જેવાં પશુઓમાં જ ફેલાય છે.લમ્પી મહારાષ્ટ્રના ૩૫જિલ્લામાંનાં ૩.૭ લાખ ઢોરમાં ફેલાયો છે. જોકે તાકીદની અને યોગ્ય સારવારથી ૨.૮ લાખ ઢોર સાજાં પણ થઇ ગયાં છે. રાજ્ય સરકારે તો લમ્પી ફેલાવાનાં ૩,૯૮૫ સ્થળો પણ શોધી કાઢ્યાં છે.સાથોસાથ લમ્પીની અસર પામેલાં ૧.૪ કરોડ ઢોરને એક ખાસ પ્રકારની રસી પણ આપવામાં આવી છે.
સરકારી સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે રાજ્ય સરકારે જે ગાયને લમ્પીનો ચેપ નથી લાગ્યો તેનાં વાછરડાંને પણ રસી આપવામાં આવશે. વળી, રાજ્ય સરકારે તમામ ખેડૂતોને તેમનાં ઢોરને ગામ બહાર ઘાસચારો ચરવા જતાં ધણ સાથે નહીં મોકલવા સલાહ આપી છે. જાહેર સ્થળે પાણી પીવા પણ નહીં લઇ જવા સલાહ આપી છે. મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના કહેવા મુજબ આવાં જાહેર સ્થળોએથી જ ઢોરમાં લમ્પીનો ચેપી રોગ ફેલાય છે.