મહારાષ્ટ્રમાં કુંવારા યુવકોએ વરરાજા બનીને વિરોધ: કર્યો , લગ્ન માટે કન્યા મળી રહી નથી, શોધવામાં મદદ કરો

મુંબઈ,

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં લગ્ન ન થવાથી પરેશાન યુવકોએ અનોખું આંદોલન શરૂ કર્યું. વરરાજાના વેશમાં આવેલા યુવાનોએ ઢોલ-નગારા સાથે ઘોડી પર બેસીને રેલી યોજી હતી. તેમનું કહેવું છે કે લગ્ન માટે છોકરીની શોધ ચાલી રહી છે, પરંતુ રાજ્યમાં છોકરીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. આ કારણે તેમના લગ્ન થઈ રહ્યા નથી. તેમણે સરકાર પાસે યુવતીની શોધ કરવા માટેની માંગ કરી હતી.

આંદોલન કરતા યુવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે કુંવારા છોકરાઓ માટે દુલ્હન શોધવાની પણ માંગ કરી છે. આંદોલનકારીઓએ કહ્યું કે અમને લગ્ન કરવા માટે છોકરી મળી રહી નથી, તેથી સરકાર અને પ્રશાસન અમને કન્યા શોધવા માટે મદદ કરે.

યુવાનોએ પત્રમાં સ્ત્રી-પુરુષનો અસમાન રેશિયાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્રમાં સ્ત્રી-પુરુષના રેશિયામાં સુધારો કરવા માટે પ્રી-કન્સેપ્શન અન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ ના કડક અમલની માંગણી કરી.

યુવાનોએ વરરાજા બનીને ઢોલ-નગારા સાથે રેલી યોજી હતી. તેમણે સરકાર સમક્ષ છોકરી શોધવા માટે મદદ કરવાની માંગ કરી છે.લોકો અમારી મજાક ઉડાવી રહ્યા છે પરંતુ અમને યોગ્ય કન્યા નથી મળી રહી.

જ્યોતિ ક્રાંતિ પરિષદ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના સ્થાપક રમેશ બારસ્કરે કહ્યું કે ઘણા લોકો આ રેલીની મજાક ઉડાવી રહ્યા છે, પરંતુ સત્ય તે છે કે ઘણા લાયક છોકરાઓને પણ માત્ર એટલા માટે કન્યા મળી રહી નથી કારણ કે મહારાષ્ટ્રમાં પુરુષ અને સ્ત્રી નો રેશિયો અસમાન છે.

બાકસ્કરે દાવો કર્યો હતો કે છોકરાઓ અને છોકરીઓ વચ્ચેના આટલા મોટા અંતર માટે સરકાર જવાબદાર છે કારણ કે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં નિષ્ફળ રહી છે. મહારાષ્ટ્રમાં ૧,૦૦૦ છોકરાઓ સામે ૮૮૯ છોકરીઓ છે. આ અસમાનતા સ્ત્રી ભ્રૂણ હત્યાને કારણે છે અને આ અસમાનતા માટે સરકાર જવાબદાર છે.