મુંબઇ, બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે આગામી સુનાવણી સુધી મહારાષ્ટ્રમાં જલગાંવ મસ્જિદમાં નમાઝ અદા કરવા અને મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર સ્ટે મૂક્યો છે. આગામી સુનાવણી ૧ ઓગસ્ટના રોજ થશે. હિંદુ પક્ષની ફરિયાદના આધારે જલગાંવના જિલ્લા કલેક્ટરે મસ્જિદમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હિન્દુ પક્ષનો દાવો છે કે સ્મારકનું માળખું મંદિર જેવું લાગે છે.
હિંદુ પક્ષ પાંડવ સંઘર્ષ સમિતિની ફરિયાદ પર ૧૧ જુલાઈના રોજ જિલ્લા કલેક્ટરે આ આદેશ આપ્યો હતો. તેની સામે, મુસ્લિમ પક્ષ જુમા મસ્જિદ ટ્રસ્ટ વતી, તેના પ્રમુખ અલ્તાફ ખાને અરજી દાખલ કરી આરોપ લગાવ્યો કે આદેશ પક્ષપાતી છે અને તેથી તેના પર સ્ટે મૂકવો જોઈએ.
અરજીમાં મુસ્લિમ પક્ષની દલીલ છે કે આ ઈમારત ૧૮૬૧ની છે અને તેને ઐતિહાસિક સ્મારક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કે પુરાતત્વ વિભાગ દ્વારા ક્યારેય કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કલેક્ટર સમક્ષ સુનાવણી દરમિયાન ટ્રસ્ટને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી ન હતી. ટ્રસ્ટે કલેક્ટરના આદેશને પક્ષપાતી અને ગેરકાયદેસર ગણાવ્યો છે. આ આદેશને પડકારતાં અરજદારે તેને રદ કરવાની માંગ કરી છે.
કોર્ટમાં ટ્રસ્ટ વતી એસ.એસ.કાઝીએ પક્ષ રજૂ કર્યો હતો અને કલેક્ટર વતી સરકારી વકીલ ડી.આર.કાળે પેરવી કરી રહ્યા છે. ડી.આર. કાલેએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે આ અંતિમ નિર્ણય નથી, તે વચગાળાનો નિર્ણય છે. અંતિમ નિર્ણય પહેલા વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ આર.એમ.જોશીની સિંગલ બેન્ચે કલેકટરના આદેશ પર સ્ટે મુકી નોટિસ જારી કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે એર્નાડોલ તાલુકામાં પાંડવ સંઘર્ષ સમિતિએ મે મહિનામાં કલેક્ટર સમક્ષ આ અંગે ફરિયાદ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્મારકનું માળખું મંદિર જેવું લાગે છે અને તેથી મુસ્લિમ સમુદાયનો કબજો ખાલી કરવામાં આવે. સમિતિએ સ્મારકના બંધારણને ગેરકાયદેસર ગણાવ્યું અને તેને તોડી પાડવા અને અહીં ચલાવવામાં આવી રહેલી મદરેસાને બંધ કરવાની માંગ કરી.