મહારાષ્ટ્રમાં હદય કંપાવનારી ઘટના:ટ્રાફિકથી ઘબરાયેલા હરણો પુલ ઉપરથી નીચે ખાબક્તા ૧૨ હરણના દુ:ખદ મોત થયાં

મુંબઇ,

મહારાષ્ટ્રના સોલાપુરમાં મોટી ઘટના સામે આવી કે જેને જાણીને પ્રાણી પ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. જંગલ વિસ્તારમાંથી ભુલા પડી ગયેલા ૧૨ જેટલા હરણો ટ્રાફિકથી ઘબરાઈ ગયા હતા અને સ્થાનિક એક પુલ પરથી કુદી જતા ૧૨ હરણના દુ:ખદ મોત થયા હતા. ટ્રાફિકથી ડરીને આ તમામ હરણો બાયપાસ બ્રિજ પરથી નીચે કૂદી પડ્યા બાદ મોત થયાની માહિતિ મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ હરણના મૃતદેહોને કબજે લીધા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સોલાપુર-મંદરૂપ બાયપાસ રોડની છે. મામલાની ગંભીરતાને જોતા પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઘટનાના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.

સોલાપુરના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર ઉદય સિંહ પાટીલે જણાવ્યું કે આ તમામ હરણ સોલાપુર-મંદરૂપ બાયપાસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન રસ્તા પર ટ્રાફિક આવી ગયો હતો. જેના કારણે આ બધા હરણ ડરી ગયા અને કિનારા તરફ કૂદી પડ્યા. જ્યારે નીચે પડીને પથ્થર પર અથડાતા આ તમામ હરણના મોત થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે તમામ હરણના મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ શનિવારે સાંજે હરણનું ટોળું જંગલ તરફ જઈ રહ્યું હતું. આ ટોળામાંથી ૧૨ હરણ કોઈ કારણસર અલગ થઈ ગયા. રવિવારે તે તેના સાથીઓને શોધી રહ્યા હતા તે સમયે આ અકસ્માત થયો હતો.

સોમવારે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં વધુ એક વ્યક્તિના મોત બાદ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં મૃત્યુઆંક વધીને ચાર થઈ ગયો છે. મુંબઈથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર બાર્શી તાલુકાના શિરાલા ગામમાં આવેલા યુનિટમાં રવિવારે વિસ્ફોટ બાદ આગ લાગી હતી. પોલીસે કહ્યું હતું કે ઘટના બાદ ચાર કામદારોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલોમાંથી એકનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. તેમણે કહ્યું કે એક કર્મચારીની સોલાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે અન્ય ઘાયલ વ્યક્તિને રજા આપવામાં આવી છે.