મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલી ઠાર

નવીદિલ્હી, મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી જૂથ અથડામણમાં બે મહિલા સહિત ત્રણ નક્સલવાદી ઠાર થયા છે. જિલ્લા પોલીસ વડા નીલોત્પલે કહ્યું કે, એક ગુપ્ત માહિતી મળી હતી કે નક્સલવાદીઓના પેરીમિલીના દલમના સભ્ય હિંસક પ્રવૃતિના આયોજનના ભાગરુપે ભામરાગડ તાલુકાના ક્તરનગટ્ટા ગામની પાસે એક જંગલમાં એકત્ર થયા છે. ગુપ્ત માહિતી અનુસાર ગઢચિરૌલી પોલીસની એક સ્પેશ્યલ બ્રાન્ચ સી-૬૦ કમાન્ડોની બે યુનિટોએ તરત જંગલમાં સર્ચ ઓપેરશન હાથ ધર્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ કમાન્ડો પર આડેધડ ફાયરિંગ શરુ કર્યું હતું. ત્યાર પછી સી-૬૦ કમાન્ડોએ બળતો પ્રહાર કર્યો હતો. ફાયરિંગ બંધ થયા પછી ઘટનાસ્થળથી એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાંથી એકની ઓળખ પેરીમિલી દલમના પ્રભારી અને કમાન્ડર વાસુ તરીકે થઈ છે. આ ઉપરાંત, ઘટનાસ્થળથી એકે-૪૭ રાઇફળ, એક કાર્બાઈન, એક ઈન્સાસ રાઇફલ, નક્સલી સાહિત્ય અને અન્ય વાંધાજનક સામાન મળી આવ્યો છે.

દરમિયાન છત્તીસગઢના નક્સલવાદ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ છ મહિલા સહિત ૧૪ નક્સલવાદીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં અનુસાર ધરપકડ કરાયેલા નક્સલવાદીઓમાંથી ૧૧ પર કુલ રૂપિયા ૪૧ લાખનું ઈનામ હતું. નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત રવિવારે સુરક્ષાદળોએ પીડિયા-મુતવેંડીના મય જંગલમાં ઘેરાબંદી કરીને ૧૪ નક્સલવાદીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા નક્સલવાદીઓમાં સામેલ રેનુ કોવાસી અને મંગલી અવલમના માથા પર રૂપિયા આઠ-આઠ લાખનું ઈનામ હતું.