મુંબઈ,મહારાષ્ટ્ર સરકારે ભવિષ્યમાં રવિવાર જેવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે એવો આદેશ આપ્યો છે કે જ્યાં સુધી ગરમીની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી રાજ્યભરમાં બપોરના બારથી સાંજના પાચ વાગ્યા સુધી ખુલ્લી જગ્યાઓ પર કોઈ પણ કાર્યક્રમ અથવા જાહેર સમારંભ યોજવો નહીં. રાજ્યના પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ અંગે સરકારી ઠરાવ બહાર પાડશે.
નવી મુંબઈમાં રવિવારે યોજાયેલ ‘મહારાષ્ટ્ર ભૂષણ’ એવોર્ડ કાર્યક્રમમાં ઓછામાં ઓછા ૧૪ જણનાં મોત થયાં હતાં અને વીસ અન્યને સમારંભ દરમિયાન હીટ સ્ટ્રોકને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ખુલ્લા મેદાનમાં યોજાયો હતો અને એમાં લોકો લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રાયગઢ જિલ્લાના ખારઘર વિસ્તારમાં આ એવોર્ડ સમારોહ યોજાયો હતો અને તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાજરી આપી હતી.આ પ્રસંગે શાહે આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક અપ્પાસાહેબ ધર્માધિકારીને એવોર્ડ એનાયત કર્યો હતો.
જ્યાં આ સમારોહ યોજાયો હતો, તે ગ્રાઉન્ડ લોકોથી ભરચક હતું અને શ્રી સદાસ્ય (ધર્માધિકારીની સંસ્થા)ના અનુયાયીઓ માટે ઓડિયો અને વીડિયોની સુવિધાઓ ગોઠવવામાં આવી હતી, પણ પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા પર કોઈ શેડ ન હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન કપિલ પાટીલ સહિત અનેક ધારાસભ્યો, વિધાનસભ્યો અને પ્રધાનો પણ હાજર રહ્યા હતા.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મૃતકોના પરિજનો માટે રૂ. ૫ લાખના વળતરની જાહેરાત કરી હતી.