મહારાષ્ટ્રમાં બનશે બંગાળી અને તેલગુ એકેડમી : અત્યાધુનિક મ્યુઝીયમનું નિર્માણ થશે

મુંબઇ,રાજ્યમાં હાલમાં મરાઠી, હિન્દી, સિંધી એકેડમી અસ્તીત્વમાં છે. જેઓ ખૂબ જ સુંદર રીતે કાર્યરત છે. તેથી હવે તેલગુ અને બંગાળી એકેડમીની પણ સ્થાપના કરવામાં આવશે એવી માહિતી રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન સુધીર મુનગંટીવારે ગુરુવારે વિઘાનસભામાં આપી હતી. સાંસ્કૃતિક બજેટના પ્રોવિઝન અંગે માંગવામાં આવેલ માહિતી અંગે વાત કરતા તેમણે આ ઘોષણા કરી હતી.

રાજ્યમાં સાંસ્કૃતિક વિભાગ હેઠળ અત્યાધુનિક મ્યુઝીમ ઊભુ કરવામાં આવશે એવી ઘોષણા પર મુનગંટીવારે કરી હતી. રાજ્યમાં હાલમાં નાના નાના સંગ્રહાલયો છે ત્યારે આ વિશાળ સંગ્રહાલય બનાવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન કરવાનો નિર્ણય સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ઉપરાંત તેલગુ અને બંગાળી ભાષા માટે ખાસ એકેડમી ઊભી કરી આ ભાષાઓ પણ રાજ્યના વિવિધ જિલ્લાઓ સુધી પહોંચાડવા માટે આ કામ હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ગઢ-કિલ્લાઓના સંરક્ષણ માટે મહાવારસ સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું છે.

આ સમિતિ સર્વે કરી યોજના બનાવશે અને આ કામ માટે સીએસઆર ફંડની મદદ લેવામાં આવશે એમ પણ મુનગંટીવારે કહ્યું હતું. સાંસ્કૃતિક કાર્ય વિભાગ માટે જિલ્લા સ્તરે ૩ ટકા બજેટ રિઝર્વ રાખવામાં આવ્યો છે એવી જાણકારી પણ તેમણે આપી હતી.