
મુંબઇ,
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં રસ્તામાં જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. શરૂઆતી તપાસમાં માહિતી મળી છે કે બળદગાડીની રેસને લઈને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને લડાઈ પણ થઈ હતી. ત્યાર પછી ૧૫-૨૦ રાઉન્ડ ફાયરિંગ થઈ હતી. તેમાં કોઈના ઘાયલ થયાની માહિતી નથી મળી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
ક્લિપમાં દેખાઈ રહેલું છે કે કેટલાક લોકો ગાડીની આજુબાજુ ઉભેલા છે, ત્યારે સામેની તરફથી અચાનક ગોળીબારી કરવામાં આવે છે. આ દરમિયાન રસ્તામાં અફરાતફરીનો માહોલ સર્જાય છે. જેમ જેમ ગોળીબાર ચાલુ રહ્યો તેમ, કેટલાક લોકો કવર માટે વાહનોની પાછળ દોડે છે, જ્યારે અન્ય લોકો પાર્ક કરેલી કારની પાછળ સંતાવાનો પ્રયાસ કરે છે.
રિપોર્ટ અનુસાર, આ ઘટના થાણે જિલ્લાના અંબરનાથમાં બળદગાડાની રેસ દરમિયાન થઈ, જ્યારે બે વ્યક્તિ પનવેલનો પંઢરીશેઠ ફડકે અને કલ્યાણના રાહુલ પાટિલ વચ્ચે બોલચાલ થઈ હતી. ત્યાર પછી બંને જૂથ વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. આ દરમિયાન એક જૂથે બીજા જૂથ પર ફાયરિંગ શરૂ કર્યું. રાહુલ પાટિલનો આરોપ છે કે, ફડકેના સમર્થકોએ તેમની ગાડીમાં તોડફોડ પણ કરી હતી.
ઘટનાની સૂચના મળતા જ શિવાજીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યાં સુધી લોકો ત્યાંથી નીકળી ચૂક્યા હતા. થોડા સમય પછી રાહુલ પાટિલના સમર્થકો ઘટના સ્થળે જમા થઈ ગયા. જેના કારણે સ્થિતિ તંગ બની હતી. પોલીસે જણાવ્યું કે આ કેસના આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને શોધવા માટે ૮ થી ૧૦ ટીમો મોકલવામાં આવી છે.