- આગામી ૧૭ જુલાઈથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, તેથી આ પહેલા કેબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા છે.
મુંબઇ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અટકવાનું નામ લઈ નથી રહી. અજિત પવાર અને તેના સમર્થક ધારાસભ્યો સરકારમાં જોડાયા બાદ એનસીપીમાં લડાઈ ચાલી રહી છે અને બીજું યુદ્ધ સરકારમાં પણ ચાલી રહ્યું છે. આ લડાઈ સરકારના મંત્રાલયોની વહેંચણીની છે. હજુ સુધી અજિત પવાર જૂથના મંત્રીઓને કોઈ વિભાગની ફાળવણી કરવામાં આવી નથી. આ મુદ્દે ગઈકાલે એટલે કે સોમવારે રાત્રે એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની મહત્વપૂર્ણ બેઠક થઈ હતી.
રીપોર્ટ્સ અનુસાર સોમવારે મોડી રાત્રે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસસ્થાન પર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કેબિનેટ વિસ્તરણ અને વિભાગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગ રાત્રે ૧૨ વાગ્યે શરૂ થઈ હતી. લગભગ દોઢ કલાક બાદ અજિત પવાર અહીંથી પરત ફર્યા હતા. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ ત્યાર પછી પણ અડધો કલાક શિંદેના ઘરે રોકાયા હતા.
અજિત પવાર અને તેમના સમર્થક ધારાસભ્યો સરકારમાં જોડાયાને લગભગ એક સપ્તાહ થઈ ગયું છે, પરંતુ કયો વિભાગ કોને મળશે તે હજુ નક્કી થયું નથી. આગામી ૧૭ જુલાઈથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, તેથી આ પહેલા કેબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા છે.
કહેવામાં આવી રહ્યું હતું કે સરકારમાં અજિત પવારના જૂથના પ્રવેશને કારણે એકનાથ શિંદે જૂથ નારાજ છે. કારણ કે એનસીપીના ખાતામાં મોટા મંત્રાલયો જઈ શકે છે, જેનો શિંદે જૂથના ધારાસભ્યોએ વિરોધ કર્યો છે. છેલ્લા એક વર્ષથી કેબિનેટનું વિસ્તરણ થયું નથી, શિંદે જૂથના ધારાસભ્યોને મહત્વપૂર્ણ મંત્રાલયો મળવાની અપેક્ષા હતી. અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ અને તેમના ૮ સમર્થક ધારાસભ્ય મંત્રી બન્યા અને ત્યારબાદ તણાવ વયો છે. સરકારના ત્રણેય પક્ષો તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે બધું બરાબર છે અને કોઈ સમસ્યા નથી.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકાર ચલાવી રહ્યા હતા, પરંતુ થોડા દિવસ પહેલા અજિત પવારે તેમાં એન્ટ્રી કરી હતી. અજિત પવારે લગભગ ૪૦ ધારાસભ્યોના સમર્થનની વાત કરી હતી અને ૮ ધારાસભ્યો કેબિનેટમાં સામેલ થયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ છે. અજિત પવાર સરકારમાં જોડાયા બાદ એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથ વચ્ચે પાર્ટીને કબજે કરવા માટે લડાઈ ચાલી રહી છે.