મુંબઈ,
લોકલ ટ્રેનમાં સહ-પ્રવાસી સાથેની લડાઈમાં વૃદ્ધ મુસાફરના મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટના મહારાષ્ટ્રના થાણે ખાતેની છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. અહેવાલો અનુસાર, લોકલ ટ્રેનના ડબ્બામાં એક ૬૫ વર્ષીય વ્યક્તિનો સાથી મુસાફર સાથે ઝઘડો થયો હતો. આ તકરારમાં સહ-પ્રવાસીએ વૃદ્ધને ધક્કો માર્યો હતો, જેના કારણે વૃદ્ધાનું મોત થયું હતું.મૃતકની ઓળખ બબ્બન હાંડે તરીકે થઈ છે.
બબ્બન હાંડે મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ભૂતપૂર્વ કર્મચારી હતા. તે હાંડે થાણેના તીતવાલા સ્ટેશનથી મુંબઈ જતી લોકલ ટ્રેનમાં ચડ્યા હતા. બપોરે લગભગ ૨ વાગ્યે GRP ને કલ્યાણ સ્ટેશન પર માહિતી મળી હતી કે એક વૃદ્ધ વ્યક્તિ ટ્રેનના ડબ્બામાં લોહીથી લથપથ હાલતમાં બેભાન પડેલા છે. માહિતી મળતા જ GRP ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ઘટનાસ્થળે જઈને જોયું કે વૃદ્ધનું મૃત્યું થઈ ગયું હતું. આ દરમિયાન ડબ્બામાં હાજર અન્ય લોકોએ આરોપીને પકડ્યો હતો. જેને GRP ને સોંપવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક વૃદ્ધનો આરોપી સાથે ઝઘડો થયો હતો. આ તકરારમાં આરોપીએ વૃદ્ધને ધક્કો માર્યો હતો, જેના કારણે કોઈ ભારે વસ્તુ અથડાવાથી વૃદ્ધના માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજાના કારણે વૃદ્ધનું મોત નિપજ્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની શોધ કરી રહી છે.