મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેનાએ લોક્સભા માટે કમર ક્સી, ૧૬ ઉમેદવારોની પહેલી યાદી જાહેર

મુંબઇ,લોક્સભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ યાદી બહાર પાડી હતી. ત્યારે હવે શિવસેનાએ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી)એ આગામી લોક્સભા ચૂંટણીને યાનમાં રાખીને ૧૬ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ખુદ સંજય રાઉતે ટ્વિટ કરીને આ યાદી વિશે માહિતી આપી હતી. ઉદ્ધવની શિવસેનાએ આ યાદીમાં કોંગ્રેસની મનપસંદ સાંગલી બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સાંગલીની આ બેઠક પરથી ચંદ્રહર પાટીલને ટિકિટ આપી છે.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમ જ્યાંથી ટિકિટ માંગી રહ્યા હતા ત્યાંથી શિવસેનાએ અમોલ કીતકરને ટિકિટ આપી છે. શિવસેનાએ બુલઢાણાથી નરેન્દ્ર ખેડકર, દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, પરભણી લોક્સભા બેઠક પરથી સંજય જાધવ, યવતમાલ વાશિમથી સંજય દેશમુખ, સાંગલીથી ચંદ્રહર પાટીલ અને હિંગોલી બેઠક પરથી નાગેશ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત સંભાજીનગરથી ચંદ્રકાંત ખૈરે, ધારશિવ બેઠક પરથી ઓમરાજ નિમ્બાલકર, શિરડીથી ભાઈસાહેબ વાઘચૌરે, નાશિકથી રાજાભાઈ વાજે, રાયગઢથી અનંત ગીતે, સિંધુદુર્ગ રત્નાગિરીથી વિનાયક રાઉ અને થાણેથી રાજન વિચારેને ટિકિટ મળી છે. જ્યારે, મુંબઈ પૂર્વથી સંજય દિના પાટીલ અને પશ્ર્ચિમ મુંબઈથી અમોલ કાતકર પક્ષના ઉમેદવાર હશે.