મહાનગરો કરતાં નાના શહેરો અને ગામડાંના વિદ્યાર્થીઓ વધુ વિદેશમાં અભ્યાસ કરવા જાય છે

નવીદિલ્હી,ગત વર્ષે અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા ૬ વર્ષમાં સૌથી વધુ હતી. સંસદમાં આપેલા જવાબ મુજબ ૨૦૨૨માં ૭.૫ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા હતા. ખાસ વાત એ છે કે દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોને બદલે દેશના નાના શહેરો, નગરો અને ગામડાંમાંથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યા છે.

તેનું એક કારણ દેશની સારી કોલેજોમાં પ્રવેશ ન મળવો અને બીજું કારણ તકોનો અભાવ છે. દેશમાં નોકરીઓ માટેની સ્પર્ધા વધી છે. AI અને IT  જેવા ક્ષેત્રોમાં વિદેશમાં વધુ તકો છે. ત્યાં પગાર પણ વધારે છે. તેથી જ વિદ્યાર્થીઓ અન્ય દેશો તરફ વળ્યા છે.

ઓડિશાના બાલાસોરના નવીન કુમારે ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરવા સ્વીડનમાં એડમિશન લીધું છે. તે કહે છે- હું ભારતમાં જ ભણતો હતો, પરંતુ અહીં ફોરેન્સિક સાયન્સમાં બહુ ઓછી તકો છે.

દેશમાં અભ્યાસ માટે વિદેશ જવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કન્સલ્ટન્સી માટેનું બજાર જે તમને વિદેશ જવા માટે મદદ કરે છે તે પણ વધી રહ્યું છે. દેશભરમાં આવી કન્સલ્ટન્સી ખુલી રહી છે.

ગુજરાતની કન્સલ્ટન્સી ’નો બોર્ડર્સ’ના સમીર યાદવ કહે છે- ૪ વર્ષ પહેલાં નાના શહેરો અને નગરોમાંથી ઓછી આવક ધરાવતા પરિવારોના ૩૦% બાળકો અભ્યાસ માટે વિદેશ જતા હતા. આ સંખ્યા બમણી થઈને ૬૦% થઈ ગઈ છે. આ બાળકો પોતાનું ઘર કે ખેતીની જમીન ગીરો મૂકીને વિદેશ જતા રહે છે.

એજ્યુકેશન કન્સલ્ટન્સી કોલેજીફાઈના સીઈઓ આદર્શ ખંડેલવાલ કહે છે – છેતરપિંડીના કેસમાં પણ વધારો થયો છે. તાજેતરમાં કેનેડાએ ૭૦૦ ભારતીય બાળકોને દેશનિકાલ કર્યા છે. એજન્ટ દ્વારા તેને છેતરપિંડીથી દાખલ કરવામાં આવ્યા હતા.

મોટાભાગના વિદ્યાર્થીઓ ૨૦૨૨માં અમેરિકા અને કેનેડા ગયા હતા

અમેરિકા ૪.૬૫ લાખ

કેનેડા ૧.૮૩ લાખ

યુએઈ ૧.૬૪ લાખ

ઓસ્ટ્રેલિયા ૧ લાખ

સાઉદી આરબ૬૫ હજાર

બ્રિટન ૫૫ હજાર

જર્મની ૩૫ હજાર

ચીની વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ

કોરોનાના કારણે ચીનના વિદ્યાર્થીઓ પર હજુ પણ વિશ્ર્વના ઘણા દેશોમાં પ્રતિબંધ છે. વિદેશમાં અભ્યાસ કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓને ચીનના વિદ્યાર્થીઓ સાથે સૌથી વધુ સ્પર્ધા કરવી પડે છે. ભારતીયો તેને એક તક તરીકે લઈ રહ્યા છે.