6 મહાનગરપાલિકામાં સરેરાશ અંદાજિત 42 ટકા મતદાન, જામનગરમાં સૌથી વધુ 49.64 ટકા મતદાન

6 મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં છ મહાનગરપાલિકામાં સરેરાશ અંદાજિત 42 ટકા જેટલું નિરસ મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન જામનગરમાં 49.64 ટકા અને સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં 37.81 ટકા નોંધાયું છે. આ છ મહાનગરપાલિકામાં 2,200થી વધુ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે.

જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું હતું, જે સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું. જેમાં પ્રાથમિક આંકડા મુજબ છ મહાનગરપાલિકામાં સરેરાશ અંદાજે 42 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જો કે વર્ષ 2015ની સરખામણીમાં મતદાનની ટકાવારી ઘટી છે. જેમાં સવારે 7થી 8 વાગ્યામાં એટલે પહેલા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું હતું.

ચૂંટણી પંચ દ્વારા છ મહાનગરપાલિકામાં કેટલું મતદાન થયું તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

  • અમદાવાદ – 37.81 ટકા
  • સુરત – 42.11 ટકા
  • વડોદરા – 42.82 ટકા
  • રાજકોટ – 45.74 ટકા
  • જામનગર – 49.64 ટકા
  • ભાવનગર – 43.66 ટકા

ઉલ્લેખનીય છે કે ગુજરાતની છ મહાનગરપાલિકામાં વર્ષ 2015માં યોજાયેલા મતદાનની ટકાવારી પર નજર કરીએ તો વર્ષ 2015માં છ મહાનગરપાલિકામાં સરેરાશ 45.67 ટકા મતદાન થયું હતું. જેમાં જોવા જઈએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં 46.51 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સુરત મહાનગરપાલિકામાં 39. 67 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં 48.71 ટકા મતદાન થયું હતું. તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં 49.72 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે જામનગરમાં 56.76 ટકા મતદાન નોંધાયું હતું.