મહંમદ પયંગબર મર્યાદા પુરુષોત્તમ હતા : શિક્ષણ મંત્રી

નાલંદા, છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદોમાં રહેલા બિહાર સરકારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરનું વધુ એક નવું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે ઈસ્લામ ધર્મના સ્થાપક પયગંબર મહંમદને મર્યાદા પુરુષોત્તમ કહ્યા છે. શિક્ષણ મંત્રીએ નાલંદામાં આ નિવેદન આપ્યું છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર યાદવ જન્માષ્ટમીના અવસરે નાલંદાના હિલસામાં બાબ અભય નાથ ધામ પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા.

આ કાર્યક્રમમાં તેમણે પયગંબર મહંમદને મર્યાદા પુરુષોત્તમ બતાવ્યા હતા.પોતાના નિવેદનમાં શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે કહ્યુ કે, જ્યારે બદમાશી વધી, વિશ્ર્વમાં વિશ્ર્વાસનો અંત આવ્યો, અપ્રમાણિક લોકો અને બદમાશો આવ્યા, ત્યારે મધ્ય એશિયાના પ્રદેશમાં ભગવાને એક અદભૂત સમજદાર, પયગંબર, મર્યાદા પુરુષોત્તમનું સર્જન કર્યું, જેને તમે મહંમદ સાહેબ કહો છો. તેમણે કહ્યુ કે ઇસ્લામ આવ્યું વિશ્ર્વાસ માટે, ઇસ્લામ આવ્યું અપ્રમાણિક્તા સામે, ઇસ્લામ આવ્યું બદમાશોની સામે, પરંતુ અપ્રમાણિક માણસો પણ પોતાને મુસલમાન કહે છે, જેની પરવાનગી કુરાન આપતું નથી.

ચંદ્રશેખરે જેવું પયગંબર મહંમદની સરખામણી મર્યાદા પુરુષોત્તમ સાથે કરી કે તરત ભાજપ આ નિવેદનથી ગુસ્સામાં આવી ગયું હતું અને સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર પર નિશાન સાધી દીધું હતું. ભાજપે લાલુ પ્રસાદ પર ધર્મ અને જાતિના નામ પર ભાવનાને ઠેસ પહોંચાડીને વોટ ભેગા કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપના પ્રવક્તા અરવિંક કુમાર સિંહે કહ્યું કે, શિક્ષણ મંત્રી ચંદ્રશેખર માનસિક બિમારીના શિકાર થઇ ગયા છે.રાજદ નથી હિંદુની કે નથી મુસલમાનની, તે તો માત્ર એક પરિવારની છે. ચંદ્રશેખર ક્યારેક હિંદુઓ વિશે બોલી દેશે તો ક્યારેક મુસલમાનો વિશે, તો ક્યારેક રામાયણ પર ટીપ્પણી કરશે તો ક્યારેક મહંમદ સાહેબ પર. આ લોકો ધર્મ અને જાતિના નામ પર લડાવીને વોટની રાજનીતિ કરે છે.

આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ચંદ્રશેખરે કહ્યું હતું કે, રામચરિતમાનસ નફરત ફેલાવતો ગ્રંથ છે. ત્યારે પણ ભારે વિવાદ થયો હતો.તેમણે કહ્યું હતું કે, મનુસ્મૃતિમાં, ૮૫ ટકા વસ્તી ધરાવતા સમાજના ઉચ્ચ વર્ગ સામે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં લખ્યું છે કે નીચલી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા પછી સાપની જેમ ઝેરી બની જાય છે. તેમણે કહ્યું કે એક યુગમાં મનુસ્મૃતિ, બીજા યુગમા રામચરિતમાન, ત્રીજા યુગામાં ગુરુ ગોલવલકરના બંચ ઓફ થોટ્સ આ બધા સમાજમાં નફરત ફેલાવનારા છે.