મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં રાજકોટ બજરંગવાડી વિસ્તારમાં રહેતા PGVCL કોન્ટ્રેક્ટર 53 વર્ષીય કિરીટસિંહ રણજિતસિંહ રાઠોડ તેમનાં પત્ની અને મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા, જ્યાં અચાનક તેમને શ્વાસ ચડતાં રાયબરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર કારગત નહીં નીવડતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતદેહને ગઈકાલે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ લાવવામાં આવ્યો હતો અને અંતિમયાત્રામાં સમાજના અગ્રણીઓ તેમજ PGVCLના સાથીકર્મચારીઓ જોડાયા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં ઘરે કલ્પાંત છવાયો છે.
કિરીટસિંહ રાઠોડ ચક્કર આવતાં ઢળી પડ્યા હતા પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં બજરંગવાડી મેઇન રોડ પર પ્રતીક ટેનામેન્ટમાં રહેતા તેમજ PGVCLમાં કોન્ટ્રેક્ટ ચલાવતા 53 વર્ષીય કિરીટસિંહ રણજિતસિંહ રાઠોડ પોતાની પત્ની લતાબેન, મિત્ર PGVCLના નિવૃત્ત કર્મચારી લક્ષ્મણગિરિ ગોસાઈ અને તેમનાં પત્ની શોભનાબેન ચારેય લોકો મહાકુંભમાં ગયાં હતાં, જ્યાં કિરીટસિંહ રાઠોડને વહેલી સવારે ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. બાદમાં કિરીટસિંહ રાઠોડને પત્ની અને મિત્ર દંપતી દ્વારા સારવાર માટે સેક્ટર 20માં ઊભા કરવામાં આવેલા હોસ્પિટલ યુનિટમાં તપાસ અર્થે લઇ જવામાં આવ્યા હતા.
જોકે તેમની તબિયત વધારે લથડતાં વધુ સારવાર માટે રાયબરેલી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં ભારે અરેરાટી સાથે કરુણ કલ્પાંત છવાયો હતો. બાદમાં પ્રયાગરાજથી કિરીટસિંહ રાઠોડના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત રાજકોટ લાવવામાં આવ્યો હતો અને ગઈકાલે તેમની અંતિમયાત્રામાં PGVCLના કર્મચારીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
મૃતક કિરીટસિંહ રાઠોડ બે ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં એક પુત્રી છે. પુત્રી ભાવિનીબેન રાઠોડ વડોદરા કંપનીમાં સર્વિસ કરે છે. કિરીટસિંહ રાઠોડ પત્ની અને મિત્ર દંપતી સાથે ગત તા. 24 જાન્યુઆરીના રોજ અમદાવાદથી પ્લેન મારફત અયોધ્યા પહોંચ્યા હતા અને 5 ફેબ્રુઆરીએ પરત ફરવાના હતા. મહાકુંભમાં પહોંચ્યા બાદ તેમણે સાધુ-સંતોને જમાડવા માટે રસોઇ બનાવવા સહિતનાં કામો કર્યાં હતાં. જોકે મહાકુંભમાં સ્નાન કર્યા બાદ 30 તારીખે જ શ્વાસ ચડતાં તેમનું મોત નીપજ્યું હતું. તેમના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.