મહાકુંભમાં મૃત્યુ પામનાર વૃદ્ધનો મૃતદેહ વતનમાં લવાયો:વિસનગરના કડા ગામે અંતિમદર્શન માટે લોકો ઉમટ્યાં, મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા; અંતિમવિધિ માટે સિદ્ધપુર જવા રવાના

કુંભમેળામાં સ્નાન કર્યાની અંતિમ તસવીર.

મહાકુંભના સંગમ નોઝ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુના મોત થયાં હતા, જ્યારે 60 લોકો ઘાયલ છે. એમાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું દુઃખદ અવસાન થયું હતું. મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની હતા. મહેશભાઈના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો અને ગ્રામજનો તેમના અંતિમદર્શન માટે એકત્રિત થયા હતા. જે બાદ મૃતદેહને અંતિમવિધિ માટે સિદ્ધપુર લઇ જવાયો. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કડા ગામે આવી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે મહેશભાઈની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી અને ફૂલહાર અર્પણ કર્યો. સાથે જ ઋષિકેશ પટેલે મૃતક સાથે મહાકુંભમાં જનાર તમામ પરિવારજનો પાસેથી માહિતી મેળવી હતી.

મૃતદેહને અંતિમવિધિ માટે સિદ્ધપુર લઇ જવાયો

વિસનગર તાલુકાના કડા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતા 65 વર્ષીય મહેશભાઈ તેમના સમાજના લોકો સાથે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા હતા. જો બુધવારના રોજ મહેશભાઈનું પ્રયાગરાજ ખાતે મોત નીપજ્યું હતું. મહેશભાઈ મહાકુંભમાં અમૃતસ્નાન કરવા ગયા અને ભાગદોડમાં તેમનો જીવ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, બુધવારે (29/1/25) વહેલી સવારે પ્રયાગરાજ ખાતે થયેલી ભાગદોડમાં ઘણા લોકોનાં મોત થયાં હોઇ મહેશભાઈનું મૃત્યુ આ ભાગદોડમાં થયું હોવાની વાત તેમના પરિવારજનો કહી રહ્યા છે. પરિચિતોના કહેવા મુજબ, મહાકુંભમાં ગયા ત્યારે તેમની તબિયત એકદમ ઠીક હતી.

વિસનગરથી 9 કિલોમીટર દૂર આવેલ કડા ગામમાં ગત મધરાતે લોકો જાગી રહ્યા હતાં અને સમગ્ર ગ્રામમાં શોકની લાગણી સાથે સન્નાટો ફેલાયેલો હતો. મૃતક મહેશભાઇનું ઘર અને ફળિયામાં સંબંધીઓ અને ગ્રામજનો એકત્રિત થયેલા હતાં.

મૃતક મહેશભાઈ સોમાભાઈ પટેલ.

ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા અને હાલ કડા આવેલા જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે, મહેશભાઇ મારા માસા થતા હતા. મહેશભાઇના પત્નીનું નામ દક્ષાબેન છે. મારા મમ્મી અને દક્ષાબેન સગા મામા-ફોઇના બહેનો થાય છે. હું હાલ ઓસ્ટ્રેલિયા રહું છું અને કડા આવી છું. પરંતુ હું જ્યારે ઓસ્ટ્રેલિયા હોઉ ત્યારે પણ એક કલાક માસા સાથે વાત કરતી. આજે અચાનક જ અમને જાણ કરવામાં આવી કે મારા માસાનું પ્રયાગરાજમાં ભાગદોડમાં મૃત્યું થયું છે. મારા માસા સુરત રહેતા હતા પરંતુ તેમના અંતિમસંસ્કાર હાલ તો કડા ખાતે વતનમાં કરવાનું નક્કી કર્યું છે. મારા માસા સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા અને કૃતિશિલ હતા.

મૃતકના ભત્રીજા રાકેશકુમાર મણીલાલે જણાવ્યું કે, મહેશભાઇ મારા કાકા થતાં હતા અને સુરત અઠવા ખાતે રહેતા હતા. છેલ્લા 15 વર્ષથી તેઓ સુરત રહે છે અને પ્રયાગરાજમાં તેમનું આકસ્મિક અવસાન થયું છે.

ગ્રામજનોમાં શોકની લાગણી ગ્રામજન સતીશકુમાર ડાહ્યાભાઇએ કહ્યું કે, મહેશભાઇ ઘણા વર્ષોથી સૂરત રહેતા હતા. કડા ગામમાં પટેલ પરિવારના 60 ઘર છે. મહેશભાઇના મૃત્યુની જાણ થતાં ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.