મહાકુંભ : નાગાસાધુ બનવા માટે 108 વાર ડૂબકી, પોતાનું પિંડદાન:પુરુષોના ગુપ્તાંગની નસ ખેંચી લેવાય; સ્ત્રીઓએ આપવી પડે છે બ્રહ્મચર્યની પરીક્ષા

પુરુષોના ગુપ્તાંગની નસ ખેંચી લેવાય; સ્ત્રીઓએ આપવી પડે છે બ્રહ્મચર્યની પરીક્ષા.1 ફેબ્રુઆરી 1888ના રોજ પ્રયાગમાં કુંભ ચાલી રહ્યો હતો. આ દરમિયાન બ્રિટિશ અખબાર ‘મખ્ઝાન-એ-મસીહી’માં કુંભને લઈને એક સમાચાર પ્રકાશિત થયા હતા. સમાચારમાં લખવામાં આવ્યું હતું- ‘ વસ્ત્ર વિનાના 400 સાધુએ કુંભમાં શોભાયાત્રા કાઢી હતી. લોકો તેમને જોવા માટે બંને બાજુએ ઊભા હતા. કેટલાક લોકો તેમની પૂજા પણ કરી રહ્યા હતા. તેમાં પુરુષોની સાથે મહિલાઓ પણ હતી. એક અંગ્રેજ અધિકારી તેમના માટે રસ્તો બનાવી રહ્યો હતો. બ્રિટનમાં સરકાર નગ્નતાને સજા આપે છે, પરંતુ ભારતમાં નગ્ન સાધુઓના સરઘસમાં જોઈન્ટ મેજિસ્ટ્રેટ રેન્કના અધિકારીને મોકલવામાં આવે છે. આ દુઃખદ છે.’

આ પછી સૌથી મોટા ખ્રિસ્તી સંગઠન ‘ક્રિશ્ચિયન બ્રધરહૂડ’ના પ્રમુખ આર્થર ફોયે બ્રિટિશ સાંસદને પત્ર લખ્યો હતો. ફોયે લખ્યું- ‘શિક્ષિત હિંદુ સમાજ પણ નગ્ન સાધુઓના સરઘસથી શરમાઈ જાય છે. બ્રિટિશ સરકારે આ કામ માટે અંગ્રેજ અધિકારીને કેમ તહેનાત કર્યા? આવું કરવું ખ્રિસ્તી ધર્મ માટે શરમજનક છે. એવું લાગે છે કે ભારતીયો અંગ્રેજો સામે ઝૂકી ગયા છે.16 ઓગસ્ટ, 1888ના રોજ સરકારે ફોયેના પત્રનો જવાબ આપતાં લખ્યું – ‘આ સાધુઓ પરંપરાગત રીતે અલાહાબાદ અને અન્ય સ્થળોએ સરઘસ કાઢે છે. હિન્દુ સમાજમાં આને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અમને તેમનામાં કોઈ નુકસાન દેખાતું નથી.

કપડાં વગર સરઘસ કાઢનારા આ સાધુઓ ‘નાગા સંન્યાસી’ હતા. દર વખતે કુંભમાં પ્રથમ શાહી સ્નાન નાગા સંન્યાસી દ્વારા કરવામાં આવે છે.

નાગા શબ્દ સંસ્કૃત ‘નગ’ પરથી આવ્યો છે. ‘નગ’ એટલે પર્વત, એટલે કે પર્વતો કે ગુફાઓમાં રહેનારાઓને ‘નાગા’ કહેવામાં આવે છે.

આદિ શંકરાચાર્યએ 9મી સદીમાં દશનામી સંપ્રદાયની શરૂઆત કરી હતી. મોટા ભાગના નાગા તપસ્વીઓ આ સંપ્રદાયમાંથી આવે છે. આ સંન્યાસીઓને દીક્ષા આપતી વખતે તેઓ દસ નામ સાથે જોડાયેલા હોય છે. આ દસ નામ છે – ગિરિ, પુરી, ભારતી, વન, અરણ્ય, પર્વત, સાગર, તીર્થ, આશ્રમ અને સરસ્વતી. તેથી જ નાગાસાધુઓને દશનમી પણ કહેવામાં આવે છે.

નાગા સંન્યાસી બે પ્રકારના હોય છે – એક શાસ્ત્રધારી અને બીજા નિઃશસ્ત્ર. મુઘલોના આક્રમણ પછી લશ્કરી શાખા શરૂ કરવાની યોજના બનાવવામાં આવી હતી. શરૂઆતમાં કેટલાક નાગા સાધુઓએ આનો વિરોધ કરતાં કહ્યું કે તેઓ આધ્યાત્મિક છે અને તેમને શસ્ત્રોની જરૂર નથી. બાદમાં શૃંગેરી મઠે શસ્ત્રોથી સજ્જ નાગા સાધુઓની સેના તૈયાર કરી. અગાઉ તેમાં માત્ર ક્ષત્રિયોનો સમાવેશ થતો હતો. બાદમાં જ્ઞાતિબાધ દૂર કરવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે નાગાસાધુ બનવાની ઉંમર 17થી 19 વર્ષની હોય છે. તેના ત્રણ તબક્કા છે – મહાપુરુષ, અવધૂત અને દિગમ્બર, પરંતુ એ પહેલાં એક પ્રિસ્ટેજ એટલે કે પ્રોબેશન પિરિયડ હોય છે. જે કોઈપણ નાગાસાધુ બનવા માટે અખાડામાં અરજી કરે છે તેને પહેલા નકારી દેવામાં આવે છે. તેમ છતાં પણ જો તે ન માને તો પછી અખાડા તેની સંપૂર્ણ તપાસ કરે છે. અખાડાના લોકો ઉમેદવારના ઘરે જાય છે. પરિવારને કહે છે કે તમારો પુત્ર નાગાસાધુ બનવા માગે છે. જો પરિવારના સભ્યો સંમત થાય તો ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ તપાસવામાં આવે છે.

આ પછી જે વ્યક્તિ નાગાસાધુ બનવા માગે છે તેણે ગુરુ બનીને અમુક અખાડામાં રહીને બે-ત્રણ વર્ષ સેવા કરવી પડે છે. તેમનું કામ વરિષ્ઠ સાધુઓ માટે ભોજન રાંધવાનું, તેમની જગ્યાઓ સાફ કરવાનું, સાધના કરવાનું અને શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું છે. તે માત્ર એક જ વાર ખોરાક ખાય છે. વાસના, ઊંઘ અને ભૂખને કાબૂમાં રાખવાનું શીખે છે. આ સમય દરમિયાન જોવામાં આવે છે કે તે આસક્તિ અને મોહની જાળમાં ફસાતો નથી. તેને પોતાનું ઘર અને પરિવાર યાદ નથી. જો કોઈ ઉમેદવાર ભટકતો જણાય તો તેને ઘરે મોકલી દેવામાં આવે છે.

પ્રથમ તબક્કો – મહાપુરુષઃ ગુરુ પ્રેમ કટારીથી શિષ્યની ચોટલી કાપે છે

પરખ અવધિ પસાર કરનારને સાંસારિક દુનિયામાં પાછા ફરવાની સલાહ આપવામાં આવે છે. જો તે હજુ પણ પરત ન ફરે તો તેને સંન્યાસ જીવન જીવવાની પ્રતિજ્ઞા અપાવવામાં આવે છે. તેમને ‘મહાપુરુષ’ જાહેર કરવામાં આવે છે અને પંચ સંસ્કાર કરવામાં આવે છે. પંચ સંસ્કાર એટલે કે શિવ, વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશને ગુરુ બનાવવા પડશે. અખાડા વતી તેમને નારિયેળ, ભગવાં વસ્ત્રો, પવિત્ર દોરો, રુદ્રાક્ષ, ભભૂત અને નાગાઓનાં પ્રતીકો અને આભૂષણો આપવામાં આવે છે. આ પછી ગુરુ તેમની પ્રેમ કટારીથી શિષ્યની શિખા અથવા ચોટલીને કાપી નાખે છે. આ પ્રસંગે દાળ અને ધાણાનું વિતરણ કરવામાં આવે છે.

પ્રયાગના કુંભમાં જે નાગાસાધુ બને છે તેને નાગા, ઉજ્જૈનમાં ખૂની નાગા, હરિદ્વારમાં બર્ફાની નાગા અને નાસિકમાં ખીચડિયા નાગા કહેવામાં આવે છે.

બીજો તબક્કો – અવધૂત: વ્યક્તિને જીવતા જીવ પોતાનું પિંડ દાન કરવું પડે છે, 108 ડૂબકી મારવી પડે છે

મહાપુરુષને અવધૂત બનાવવા માટે સવારે ચાર વાગ્યે જગાડવામાં આવે છે. દૈનિક કાર્ય અને ધ્યાન કર્યા પછી ગુરુ તેમને નદી કિનારે લઈ જાય છે. તેના શરીરમાંથી વાળ દૂર કરીને તે તેને નવજાત બાળક જેવો બનાવે છે. નદીમાં સ્નાન કરાવવામાં આવે છે. તે જૂની લંગોટી છોડીને નવી લંગોટી પહેરે છે. આ પછી ગુરુ તેને પવિત્ર દોરો પહેરાવે છે અને દંડ, કમંડલ અને ભસ્મ આપે છે. અલાહાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર ધનંજય ચોપડા તેમના પુસ્તક ‘ભારત મેં કુંભ’માં લખે છે – ‘મહાપુરુષ નાગાઓને ત્રણ દિવસ ઉપવાસ કરવા પડે છે. પછી તે પોતાનું શ્રાદ્ધ કરે છે. તેણે 17 પિંડ દાન કરવાં પડે છે. 16 પોતાના પૂર્વજોને અને 17મું પિંડદાન પોતાની જાત માટે. આ પછી તે સાંસારિક બંધનોથી મુક્ત થઈ જાય છે. તે નવા જીવન સાથે અખાડામાં પાછો ફરે છે.’

આ પછી મધ્યરાત્રિએ વીરજા એટલે કે વિજ્યાયજ્ઞ કરવામાં આવે છે. ગુરુ ફરી એકવાર મહાપુરુષને કહે છે કે જો તે ઈચ્છે તો તે સાંસારિક જીવનમાં પરત ફરી શકે છે. જ્યારે તે પાછો ન ફરે ત્યારે યજ્ઞ પછી અખાડાના આચાર્ય મહામંડલેશ્વર અથવા પીઠાધીશ્વર મહાપુરુષને ગુરુમંત્ર આપે છે. આ પછી તેને ધાર્મિક ધ્વજ નીચે બેસીને ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કરવવામાં આવે છે.

બીજા દિવસે સવારે ચાર વાગ્યે મહાપુરુષને ફરીથી ગંગા કિનારે લાવવામાં આવે છે. 108 ડૂબકી મરાવવામાં આવે છે. આ પછી દંડ-કમંડળનો ત્યાગ કરાવવામાં આવે છે. હવે તે અવધૂત સંન્યાસી બની જાય છે. આ 24 કલાકની પ્રક્રિયા દરમિયાન તેણે ઉપવાસ કરવાનો હોય છે.

નાગાસાધુ બનવા માટે વ્યક્તિએ 17 પિંડદાન કરવાં પડે છે. 16 પોતાના પૂર્વજો માટે અને 17મું પિંડદાન પોતાના માટે.

ત્રીજો તબક્કો- દિગંબરઃ જનનાંગની નસ ખેંચી લેવાય છે, કુંભમાં શાહી સ્નાન પછી બને છે નાગાસાધુ

‘ભારત મેં મહાકુંભ’ પુસ્તક અનુસાર, અવધૂત બન્યા પછી દિગમ્બરની દીક્ષા લેવી પડે છે. આ દીક્ષા શાહી સ્નાનના એક દિવસ પહેલાં થાય છે. આ એક ખૂબ જ મુશ્કેલ વિધિ છે. આ સમય દરમિયાન માત્ર થોડા વરિષ્ઠ સંતો હાજર હોય છે. આમાં તેણે અખાડાના ધાર્મિક ધ્વજ નીચે 24 કલાક કંઈપણ ખાધા-પીધા વગર ઉપવાસ કરવાનો હોય છે. આ પછી તંગતોડ સંસ્કાર કરવામાં આવે છે, જેમાં સવારે ત્રણ વાગ્યે અખાડાના ભાલા આગળ અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને અવધૂતના માથા પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે. તેના ગુપ્તાંગની એક નસ ખેંચી લેવામાં આવે છે. આ સાથે સાધક નપુંસક બની જાય છે. આ પછી બધા શાહી સ્નાન માટે જાય છે. ડૂબકી લગાવતાંની સાથે જ તેઓ નાગાસાધુ બની જાય છે.

આ નાગા સાધુઓને ચાર સ્થાન પર યોજાતા કુંભમાં સ્થાન અનુસાર અલગ-અલગ નામ આપવામાં આવે છે. જે વ્યક્તિ પ્રયાગના કુંભમાં નાગાસાધુ બને છે તેને નાગા, ઉજ્જૈનમાં ખૂની નાગા, હરિદ્વારમાં બર્ફાની નાગા અને નાસિકમાં ખીચડિયા નાગા કહેવામાં આવે છે.

2013ના પ્રયાગ કુંભ દરમિયાન પોતાના શિબિરમાં મોબાઇલ ફોન પર વાત કરી રહેલા નાગાસાધુ.

મહિલાઓને બ્રહ્મચર્યની પરીક્ષા પાસ કરવામાં 10-12 વર્ષ લાગે છે

મહિલાઓ પણ નાગાસાધ્વી બને છે. સ્ત્રી નાગાસાધુઓને નાગિન, અવધૂતની અથવા માઈ કહેવામાં આવે છે. તેઓ કપડાં પહેરે છે, જોકે કેટલીક ચુનંદા મહિલા નાગા સાધ્વીઓ વસ્ત્રોનો ત્યાગ કરે છે અને ભભૂતને તેમનાં વસ્ત્રો તરીકે અપનાવે છે. જૂના અખાડા દેશનો સૌથી મોટો અને સૌથી જૂનો અખાડો છે. મોટા ભાગની નાગા સ્ત્રીઓ આ સાથે સંકળાયેલી છે. 2013માં પહેલીવાર નાગા સ્ત્રીઓ તેની સાથે જોડાઈ હતી. આ અખાડામાં સૌથી વધુ મહિલા નાગાઓ છે. આ ઉપરાંત આવાહન અખાડા, નિરંજન અખાડા, મહાનિર્વાણ અખાડા, અટલ અખાડા અને આનંદ અખાડામાં મહિલા નાગાસાધ્વી છે. અખાડામાં સૌથી વરિષ્ઠ મહિલા નાગા સંન્યાસીને શ્રીમહંત કહેવામાં આવે છે. શ્રીમહંત દ્વારા પસંદ કરાયેલી માતાને શાહી સ્નાનના દિવસે પાલખીમાં લાવવામાં આવે છે. તેમને અખાડા પર ધ્વજ ફરકાવવાનો અને ડંકવાનો અધિકાર છે. સ્ત્રી નાગાસંન્યાસી બનવાની પ્રક્રિયા પુરુષ નાગાસાધુઓ જેવી જ છે. ફરક માત્ર એટલો છે કે બ્રહ્મચર્ય પાળવા માટે પુરુષોના ગુપ્તાંગ અક્ષમ હોય છે, જ્યારે સ્ત્રીઓએ બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લેવી પડે છે. ઘણી સ્ત્રીઓને આ સાબિત કરવામાં 10-12 વર્ષ પણ લાગે છે. જ્યારે અખાડાના ગુરુ સ્ત્રી પર વિશ્વાસ કરે છે ત્યારે તે દીક્ષા આપે છે. દીક્ષા લીધા પછી સ્ત્રી સાધુએ સાંસારિક વસ્ત્રો છોડીને અખાડામાંથી મેળવેલાં પીળા કે કેસરી વસ્ત્રો પહેરવાં પડે છે. તેને માતાનું બિરુદ આપવામાં આવે છે.

આ તસવીર પ્રયાગ કુંભ 2019ની છે. દીક્ષા લીધા પછી નાગા સંન્યાસિનીને અખાડામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

નાગાસાધુઓ લોટને ભસ્મી અને કઠોળને પનિયારામ કહે છે

નાગાસાધુઓ કોડવર્ડમાં વાત કરે છે. એની પાછળ બે કારણ છે. પ્રથમ- કોઈ નકલી નાગા તેમના અખાડામાં જોડાઈ ન શકે. બીજું, મુઘલો અને અંગ્રેજોના સમયમાં તેઓ પોતાની માહિતી ગુપ્ત રાખવા માટે કોડવર્ડમાં વાત કરતા હતા. ધીરે ધીરે આ કોડવર્ડ તેમની ભાષા બની ગયો. નાગાસાધુઓ લોટને ભસ્મી, કઠોળને પનિયારામ અને લસણને પાતાલ લૌંગ કહે છે. એ જ રીતે મીઠાને રામરસ, મરચાને લંકારામ, ડુંગળીને લડ્ડુરામ, ઘીને પાણી અને રોટલીને રોટીરામ કહે છે. અખાડાઓમાં જે સભા થાય છે તેને ‘ચેહરા’ કહે છે. અખાડાની કીમતી વસ્તુઓ જ્યાં રાખવામાં આવે છે એને મોહરા કહેવામાં આવે છે. ચહેરા અને મોહરા સામસામે હોય છે.

નાગાઓ અને વૈરાગીઓ એકબીજા સાથે બાખડ્યા, અંગ્રેજોએ નાગાઓને પ્રથમ સ્નાન કરવાનો અધિકાર આપ્યો

જદુનાથ સરકાર તેમના પુસ્તક ‘ધ હિસ્ટ્રી ઓફ દશનમી નાગા સંન્યાસીસ’માં લખે છે – ‘કુંભમાં પ્રથમ સ્નાન કરવાને લઈને હંમેશાં વિવાદો રહ્યા છે. નાગાસાધુઓ અને વૈરાગી સાધુઓ વચ્ચે લોહિયાળ યુદ્ધ થયું છે. 1760ના હરિદ્વાર કુંભ દરમિયાન નાગાઓ અને વૈરાગીઓ પ્રથમ સ્નાનને લઈને એકબીજા સાથે લડ્યા. બંને તરફથી તલવારો ઊછળી. સેંકડો વૈરાગી સંતો માર્યા ગયા. 1789ના નાસિક કુંભમાં ફરીથી આવી જ પરિસ્થિતિ સર્જાઇ અને વૈરાગીઓનું લોહી વહ્યું. આ રક્તપાતથી પરેશાન, વૈરાગીઓના ચિત્રકૂટ ખાકી અખાડાના મહંત બાબા રામદાસે પુણેના પેશવા દરબારમાં ફરિયાદ કરી.1801માં પેશવા કોર્ટે નાસિક કુંભમાં નાગાઓ અને વૈરાગીઓ માટે અલગ ઘાટની જોગવાઈ કરવાનો આદેશ આપ્યો. નાગાઓને ત્ર્યંબકમાં કુશાવર્ત-કુંડ અને વૈષ્ણવોને નાસિકમાં રામઘાટ આપવામાં આવ્યો. ઉજ્જૈન કુંભમાં વૈરાગીઓને શિપ્રાના કિનારે રામઘાટ અને નાગાઓને દત્તઘાટ આપવામાં આવ્યો હતો.

આ પછી પણ હરિદ્વાર અને પ્રયાગમાં પહેલા સ્નાનને લઈને વિવાદ ચાલુ રહ્યો. કુંભ પર બ્રિટિશ શાસન પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પહેલાં શૈવ નાગાસાધુઓ સ્નાન કરશે. ત્યાર બાદ વૈરાગીઓ. આટલું જ નહીં, શૈવ અખાડાઓ એકબીજા સાથે ન લડે એ સુનિશ્ચિત કરવા માટે અખાડાઓનો ક્રમ પણ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજસુધી આ પરંપરા ચાલી આવે છે.