ગુજરાતના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ શુક્રવારે રાત્રિના CID ક્રાઈમે મેરેથોન પૂછપરછ હાથ ધરી હતી. ગાંધીનગર હોસ્પિટલમાં ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ આજે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે અમદાવાદની GPID (ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર) કોર્ટમાં રજૂ કરાશે. મહાકૌભાંડીને મહેસાણામાં આશરો આપનારા કિરણ ચૌહાણના રાજકીય કનેકશનની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોન્ઝી સ્કીમ ચલાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હતું અને એક મહિનાથી ફરાર હતો. સીઆઈડી ક્રાઈમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડો પાડી ઝાલાને દબોચી લીધો હતો.
ભુપેન્દ્ર ઝાલાની પૂછપરછ દરમિયાન હિંમતનગર વિસ્તાર માટે નાણા ધીરધારનું લાઇસન્સ લીધું હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત કિરણ ચૌહાણ અને ભુપેન્દ્ર ઝાલા વચ્ચેના સંબંધ અંગે તપાસ ચાલી રહી છે. જ્ઞાતિબંધુ હોવાને કારણે મહેસાણામાં રહેવાની સુવિધા આપનાર કિરણ ચૌહાણના રાજકીય કનેક્શન અંગે પૂછપરછ ચાલી રહી છે. BZએ નાણાં લીધા બાદ ક્યાં ક્યાં રોકાણ કર્યું તે અંગે પૂછપરછ ચાલી રહી છે. રોકાણકારો પાસેથી રૂપિયા લીધા બાદ કોને પરત કર્યા તે દિશામાં પણ પોલીસ તપાસ ચાલી રહી છે. આટલા દિવસમાં ભુપેન્દ્ર ઝાલાને આશરો આપનાર લોકો અંગે પણ તપાસ ચાલી રહી છે. ત્યારે અમદાવાદના નારણપુરાની જીપીઆઇડી (ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર) કોર્ટમાં ભુપેન્દ્ર ઝાલાને રજૂ કરાશે. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવશે. BZના વ્હાઈટ નાણાં અને બ્લેક નાણાંની તપાસ માટે રિમાન્ડની માગણી કરાશે.
કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્ર સિંહ ઝાલા સામે સીઆઈડી ક્રાઈમ GPID(ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાયદાની ધારાઓના ઉલ્લંઘન બદલ પાંચ વર્ષ સુધીની કેદ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
મહાકૌભાંડીની CIDએ મેરેથોન પૂછપરછ કરી મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી એક મહિનાથી ફરાર હતો અને નાસતોફરતો હતો. મહેસાણાના દવાડા ગામના એક ફાર્મહાઉસમાં છુપાયો હોવાની બાતમી મળ્યા બાદ સીઆઈડી ક્રાઈમે તેને દબોચી લીધો હતો અને શુક્રવારે રાત્રે ગાંધીનગર લાવી હતી, જ્યાં રાત્રિના સમયે મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેના મેડિકલ માટે તેને ગાંધીનગર હોસ્પિટલ લઈ જવાયો હતો.