મહાદેવ એપના પ્રમોટર રવિ ઉપ્પલને દુબઈથી પ્રત્યાર્પણ દ્વારા ભારત લવાશે 

મહાદેવ સટ્ટા એપના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોટી સફળતા મળી છે જ્યારે મહાદેવ એપના પ્રમોટરોની મુશ્કેલીઓ વધી છે. મહાદેવ એપના પ્રમોટર રવિ ઉપ્પલને ભારત લાવવા માટે સ્પેશિયલ કોર્ટમાં પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાની મહત્વપૂર્ણ કાનૂની ઔપચારિકતા પૂરી થઈ ગઈ છે. ઇન્ટરપોલ દ્વારા બહાર પાડવામાં આવેલી રેડ કોર્નર નોટિસને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરાયેલ તપાસ કેસમાં રવિ ઉપ્પલને લાંબા સમયથી દુબઈની જેલમાં રાખવામાં આવ્યો હતો.

કાયદાના નિષ્ણાતોના મતે, આવા કિસ્સામાં, ધરપકડના નિયમો અનુસાર, ભારતીય દૂતાવાસે દુબઈ કોર્ટમાં 60 દિવસની અંદર પ્રત્યાર્પણની કાર્યવાહી પૂર્ણ કરવાની હોય છે. આ પછી જ જે તે વ્યક્તિને ભારત લાવી શકાય છે.

હાલમાં મહાદેવ એપના પ્રમોટર્સ રવિ ઉપ્પલ છેલ્લા 32 દિવસથી દુબઈની જેલમાં કસ્ટડીમાં છે. કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રાયપુરની વિશેષ અદાલતમાં મહત્વપૂર્ણ કાયદાકીય ઔપચારિકતાઓને પૂર્ણ કરવા માટે લાંબા સમયથી પ્રયાસો કરી રહી છે.

આ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ડૉ. સૌરભ પાંડેએ જણાવ્યું હતું કે, કોર્ટે પ્રત્યાર્પણની અરજી સ્વીકારી લીધી છે. પીએમએલએની કલમ 59 હેઠળ પ્રત્યાર્પણ અંગેના આ આદેશને સ્વીકાર્યા બાદ અરબી ભાષામાં લખેલા દસ્તાવેજોની નકલ વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવી છે. વિશેષ અદાલતે દુબઈ સ્થિત સક્ષમ અદાલતને પ્રત્યાર્પણ માટે વિનંતીનો પત્ર પાઠવ્યો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ સમગ્ર કાયદાકીય રેકોર્ડને વિદેશ મંત્રાલયને સોંપશે, ત્યારબાદ તેને વિદેશ મંત્રાલયમાંથી દુબઈમાં ભારતીય હાઈ કમિશનને સોંપવામાં આવશે. ભારતીય હાઈ કમિશન આ દસ્તાવેજ દુબઈની સક્ષમ કોર્ટમાં રજૂ કરશે, ત્યારબાદ દુબઈ કોર્ટ દ્વારા પ્રત્યાર્પણ માટે કાનૂની સંમતિ આપવામાં આવશે.

આ પછી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રવિ ઉપ્પલને કસ્ટડીમાં લઈ ભારત લાવી શકશે. જણાવવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢ સહિત દેશભરમાં ઓનલાઈન સટ્ટાબાજીના આ મોટા કૌંભાડમાં રવિ ઉપ્પલ પાસેથી પૈસા ક્યારે અને કેવી રીતે ટ્રાન્સફર થયા તેની માહિતી મળશે. આ જ કારણ છે કે આ કેસ સાથે જોડાયેલા ઘણા વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓની મુશ્કેલીઓ પણ વધી શકે છે.