મુંબઇ, ટીવી સિરિયલ મહાભારતમાં ‘શકુની મામા’નો રોલ નિભાવનાર એક્ટર ગુફી પેન્ટલની હાલત નાજુક છે. લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા ગુફી પેન્ટલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર તેમની હાલત હવે વધુ ગંભીર બની ગઈ છે.
ટીવી એક્ટ્રેસ ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ગુફી પેન્ટલની બગડતી તબિયત વિશે જાણકારી આપી છે. તેણે તેમના અનુયાયીઓને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. જોકે ગુફી પેન્ટલના પરિવારે હાલ તેના સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી આપી નથી.
અભિનેત્રી ટીના ઘાઈએ ૧ જૂનના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, “ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે, કૃપા કરીને પ્રાર્થના કરો.” ટીના ઘાઈની આ પોસ્ટ વાયરલ થઈ છે. સેંકડો ચાહકોએ ટીનાની પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને ગુફી પેન્ટલના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે.
ટીના ઘાઈએ કહ્યું છે કે ગુફી પેન્ટલના પરિવારના સભ્યો તેના સ્વાસ્થ્યને લઈને કોઈપણ વિગતો શેર કરવાનો ઈક્ધાર કરી રહ્યા છે. તેથી જ તેમની સાથે શું થયું તે હું કહી શકીશ નહીં. તમને તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરવા વિનંતી છે.
રિપોર્ટ્સ અનુસાર, ગુફી પેન્ટલની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ૩૧ મે ૨૦૨૩ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેની સમસ્યા શું છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.