’માફી માંગી લે તો અમે હાથ પણ નહીં લગાવીએ’:પાટીલના ગઢમાં ભાજપ-કોંગ્રેસ ધારાસભ્ય બાખડ્યા, બબાલ વધતા પોલીસ કોંગ્રેસ ધારાસભ્યને કોર્ડન કરી લઈ ગઈ

બારડોલી, મહુવા તાલુકાના વસરાઇ ગામે આદિવાસી સમાજના લડાયક નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય સામાજિક કાર્યકરોને એક સામાજિક કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. દરેક આગેવાનો પોતાનું વક્તવ્ય આપતા હતા અને ત્યારબાદ અચાનક જ ચાલુ કાર્યક્રમમાં જાહેર સ્ટેજ પરથી મહુવાના ધારાસભ્ય મોહન ડોઢિયા વિશે એવી તો શું ટિપ્પણી કરવામાં આવી કે, આદિવાસી લડાયક નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પોલીસ બંદોબસ્ત વચ્ચે લઇ જવાયા. આવો જાણીએ આ અહેવાલમાં….

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસારાઈ ગામે દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક સામાજિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં આદિવાસી સમાજના લડાયક નેતા અને વાંસદા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા સહિત અનેક આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજને નવી દિશા બતાવવા માટે યોજવામાં આવ્યો હોવાનો હેતુ હતો. જેની સામે દરેક આગેવાનોએ પોતાના વક્તવ્ય દ્વારા લોકોને સંબોયા હતા. જેમાં સૌ પ્રથમ મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ પોતાનું વક્તવ્ય આપ્યા બાદ વાંસદાના ધારાસભ્યએ વક્તવ્ય આપતા મામલો બીચક્યો હતો.

મોહન ઢોડિયાએ દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમિયાન આદિવાસી સમાજને એક નવી દિશા બતાવવાની વાત કરી હતી. જે બાદ વાંસદાના ધારાસભ્યે પોતાના વક્તવ્યમાં મોહન ઢોડિયાની વાત પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, દિશા ફાઉન્ડેશનને દિશા બતાવવાની જરૂર નથી. મોહનભાઈ તમને દિશા બતાવવાની જરૂર છે. અમે કોઈ દિવસ કેસરી ટોપી પહેરવાના નથી, અમે ફક્ત ફાળિયું જ પહેરવાના છીએ અને તેમાં જ ખુશ છીએ. અમે ફાળિયા જોડે રહેશું, ફાળિયા જોડે મરીશું અને તેનું કફન બનાવી ઓઢી લઈશું.

અનંત પટેલ દ્વારા સામાજિક કાર્યક્રમ દરમિયાન સમાજને નવી દિશા બતાવવાની જગ્યાએ ભાજપ પર પ્રહાર કરતું વક્તવ્ય કરતાં મામલો ગરમાયો હતો. જો અત્રે ઉલ્લેખનીય છે કે, મોહન ઢોડિયા અનંત પટેલના વક્તવ્ય પહેલાં જ કાર્યક્રમમાંથી ચાલ્યા ગયા હોવાથી ભાજપના કાર્યકરોએ અનંત પટેલનો વિરોધ નોંધાવ્યો હતો. ક્ષણવારમાં લોકટોળું એકઠું થઈ જતાં મામલો ગરમાયો હતો અને પોલીસ બોલવવાની ફરજ પડી હતી. જ્યાં અનંત પટેલને પોલીસે કોર્ડન કરી સ્ટેજ પરથી ઉતાર્યા બાદ જીપમાં બેસાડ્યા હતા, પરંતુ મોહન ઢોડિયાના સમર્થકોએ અનંત પટેલ માફી માગે તેવી માગ કરી હતી. જ્યાં તેમણે પોલીસની જીપ આગળ ઊભા રહી જઈ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે, જો અનંત પટેલ માફી માંગી લેશે તો અમે તેમને હાથ પણ નહીં લગાવીએ. જો કે, આ વાતનો અનંત પટેલે સાફ ઈક્ધાર કરી માફી માંગવાની ના પાડી હતી.

મામલો વધુ ગરમાતા અનંત પટેલ સહિત બંને પક્ષોના આગેવાનો સમાજ ભવનના હોલમાં ગયા હતા. જ્યાં અનંત પટેલને આ બાબતે માફી માંગવાનું કહેતા તેમણે સ્પષ્ટ ના કીધું હતું. બાદમાં હાજર આગેવાનોએ મધ્યસ્થી કરી વિવાદ પૂરો કર્યો હતો. ત્યારે આ બાબતે મહુવા પોલીસ મથકના જે.એ. બારોટ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સમાજની ઓફિસમાં જઈને આયોજક પાસે પોલીસે મહુવાના ભાજપના ધારાસભ્યને ફોન કરાવ્યો અને આ મામલે પૂછ્યું તો ધારાસભ્ય મોહન ઢોડિયાએ એવું કહ્યું, અમારે આવું ચાલ્યા કરે છે મને કંઈ પ્રોબ્લેમ નથી. જેથી મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા કાર્યકરો સાથે ધારાસભ્ય મોહન ઢોડિયાએ વાત કરી અને તેમને સમજાવ્યા હતા.