સુરતના માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. એ બાદ સુરત ક્રાઇમ બ્રાંચને આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતાં ત્યાં પહોંચી હતી. પરંતુ ત્રણેય આરોપીએ ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ 3 આરોપી પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે રાજુ નામનો આરોપી ભાગી છૂટ્યો હતો. જોકે આજે બપોર બાદ શિવશંકર ચૌરસિયા નામના આરોપીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેથી તેને સુરત સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું.
અન્ય આરોપી મુન્નાને ત્રણ પોલીસકર્મી ઊચકીને કોર્ટમાં લઈ જવો પડ્યો જ્યારે અન્ય આરોપી મુન્નાને કોર્ટમાં લઈ જવાયો હતો. પોલીસે આપેલી ‘ટ્રીટમેન્ટ’થી તે ચાલી શકવાની સ્થિતિમાં ન હોવાથી પીસીઆર વાનમાં ત્રણ પોલીસકર્મી તેને ઊંચકીને કોર્ટમાં લઈ ગયા હતા. પોલીસે મુન્નાના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મૃતક આરોપી શિવશંકર ચૌરસિયાનું 11 ઓક્ટોબરે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ફોરેન્સિક પીએમ કરવા માટે તબીબોની ટીમ તથા મામલતદાર, પીઆઇ અને એસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
બપોરના અઢી વાગ્યે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને આઇજી પ્રેમવીરસિંહ પ્રેસ-કોન્ફરન્સ કરવાના હતા એ પહેલાં આરોપી શિવશંકરની તબિયત લથડી હતી. આ અંગે LCB પીઆઇ રાજેશ ભટોલે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપીને શ્વાસની તકલીફ થતાં બપોરના 1.30 વાગ્યે કામરેજ હેલ્થ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તેનું મોત થઈ ગયું હતું. તબિયત બગડવા પાછળનું કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે.
સુરત સિવિલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર(RMO) ડૉ.કેતન નાયકે જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણવા મળશે. મારા ડોક્ટરે જણાવ્યા મુજબ કાર્ડિયાક એરેસ્ટ હોય એમ લાગે છે, કારણ કે સીપીઆર આપવામાં આવ્યું હતું અને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. આરોપીને લાવવામાં આવ્યો ત્યારે તે જીવિત હતો કે કેમ? એ અંગે થોડીવાર વિચારીને કહ્યું કે હા, જીવિત હતો. જીવિત હતો.
મૃતક આરોપી શિવશંકર હત્યાનો આરોપી પોલીસ દ્વારા જાહેર થયેલી વિગત મુજબ બે નરાધમો પૈકીના 45 વર્ષીય શિવશંકર ચૌરસિયા સામે વડોદરા, ભરૂચ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ગુના દાખલ થઈ ચૂક્યા છે, જેમાં શિવશંકર સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ આ વર્ષે જ ગુનો નોંધાઈ ચૂક્યો છે, જ્યારે ગત વર્ષે કરજણ પોલીસ સ્ટેશનમાં ચોરીનો કેસ નોંધાયો હતો. આ ઉપરાંત સાત વર્ષ પહેલાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક હત્યાનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.