કાલોલ,
કાલોલ-હાલોલ હાઈવે રોડ ઉપર આવેલ મધવાસ ગામ નજીક થી પસાર થતાં ટ્રેકટર ચાલકે પુરઝડપે હંકારી લાવી બાઈક ચાલકને અડફેટમાં લેતાં એક યુવાનનું ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું જ્યારે ૩૦ વર્ષીય યુવાનને સારવાર અર્થે ખસેડતા રસ્તામાં મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલોલ-હાલોલ હાઈવે રોડ ઉપર આવેલ મધવાસ ચોકડી કરાડ નદીના પુલ નજીક થી પસાર થતાં ટ્રેકટર નં.જીજે.૧૭.બીએચ.૯૩૮૦ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવતો હતો અને રોડ સાઈડે પસાર થતી બાઈક નં.જીજે.૧૭.બીએફ.૭૬૯૧ ઉપર પસાર થતાં દિનેશભાઈ દલાભાઈ રાઠવા ઉ.વ.૩૦ અને વિક્રમભાઈ દલાભાઈ રાઠવા ઉ.વ.૩૩ બન્ને રોડ બાઈક સાથે પડી ગયા હતા. રોડ ઉપર પડેલ વિક્રમભાઈને ટ્રેકટરનું ટાયર છાતીના ભાગે તેમજ બરડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. જ્યારે દિનેશભાઈ રાઠવાને ડાબા પગે અને ગુપ્તભાગે ઈજાઓ થતાં ૧૦૮ મારફતે હાલોલ રેફરલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવતાં રસ્તામાં જરોદ પાસે મોત નિપજાવા પામ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેકટર ચાલક સ્થળ ઉપર વાહન છોડી ફરાર થઈ ગયો હતો. આ બાબતે કાલોલ પોલીસ મથકે ટ્રેકટર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં મરણ ગયેલ બન્ને યુવાનો સગાભાઈ હતા. મૂળ ગજાપુરા ગામના વતની એવા બન્ને ભાઈનો કડીયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. બન્ને ભાઈઓના અકસ્માતમાં મોત થતાં પાંચ સંતાનો એ પિતા ગુમાવ્યા છે.