મધુ શ્રીવાસ્તવનો ખુલાસો, વાઘોડિયા બેઠક પરથી હું જ ચૂંટણી લડીશ, પત્ની બાજુમાં ઉભી હતી એટલે મેં મશ્કરી કરી


વાઘોડીયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ત્યારે સતત ચર્ચામાં રહેતી વડોદરાની વાઘોડિયા બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ બેઠક પરથી દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવનું એક નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે. અગાઉ વડોદરાની વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવના પત્ની ચૂંટણી લડશે તેવા અહેવાલ વહેતા થયા હતા. પરંતુ જ્યારે મધુ શ્રીવાસ્તવને આ વિશે પુછ્યું તો તેમણે જણાવ્યું હતું કે વાઘોડિયા બેઠક પરથી તો હું જ ચૂંટણી લડવાનો છું, પત્નીને ચૂંટણી લડાવવાની વાત માત્ર મશ્કરી હતી.

વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે,વાઘોડિયા બેઠક પરથી મેં જ ચૂંટણી લડીશ. પત્નીને લડાવવાની વાત મજાક છે. પત્ની બાજુમાં ઉભી હતી એટલે મેં મશ્કરી કરી હતી. મીડિયાના લોકો ખોટી રીતે આવી વાતો ચગાવી રહ્યા છે. ભાજપે સગા સંબંધીઓને ટિકિટ નહિ આપવાની જાહેરાત કરી છે, તો પત્ની માટે ટિકિટ કેમ માંગુ?

મધુ શ્રીવાસ્તવે અગાઉ મોટો દાવો કરીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. તેમણે નિવેદન આપ્યું છે કે, હું નહીં તો મારી પત્નીને ચૂંટણી લડાવીશ. મધુ શ્રીવાસ્તવના પત્નીનું નામ સવિતાબેન છે. તેઓ બે વખત તાલુકા પ્રમુખ અને બે વખત જિલ્લા પંચાયત સભ્ય રહ્યા છે. પરંતુ પાછળથી મધુ શ્રીવાસ્તવે ફેરવી તોળ્યું હતું અને પત્નીને ચૂંટણી લડાવવાની વાત માત્ર મશ્કરી હોવાની વાત કરી હતી. તમને જણાવી દઇએ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ વડોદરાના વાઘોડિયાથી ધારાસભ્ય છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાવાના પૂરેપૂરા એંધાણ છે. ભાજપ વાઘોડિયામાં મહિલા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. તેવામાં મધુ શ્રીવાસ્તવના આ નિવેદનથી વાઘોડિયા બેઠક મુદ્દે રાજકારણ ગરમાયું છે.મધુશ્રીવાસ્તવે કહ્યું કે ટિકિટનો સવાલ જ નથી આવતો અત્યારે આ અંગે પાર્ટી નક્કી કરશે. મે અગાઉ જ કહ્યું હતું એમ કે હું પાર્ટીમાં જ રહીશ અને જનતાની સેવા કરતો રહીશ. હવે ચૂંટણીમાં ક્યારે અને ક્યાંથી ઉમેદવારી મળશે એ પાર્ટી નક્કી કરશે.