મધરાતે પોલીસ સ્ટેશન બાનમાં લીધું,

રાજકોટ,

  • રાજકોટમાં બૂટલેગરના પરિવારની મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ, બેફામ ગાળો ભાંડી
  • ૫૦ હજારના હપ્તાનો આક્ષેપ

રાજકોટમાં ગઈકાલે રાત્રે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે ગોકુલધામ વિસ્તારમાં નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીના દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. બાદમાં પોલીસે હાર્દિક સહિત ૫થી ૬ શખ્સોને ઝડપી લઈ ચાર વાહન, મોબાઈલ સહિત લાખોની મતા કબજે કરી હતી. બાદમાં હાર્દિક ના પરિવારની મહિલાઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આખું પોલીસ સ્ટેશન બાનમાં લીધું હતું. મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી હતી અને આક્ષેપ કર્યો હતો કે, પોલીસ ૫૦ હજાર રૂપિયા લઈ જાય છે. જો કે થોડીવાર તો પોલીસ સ્ટેશનમાં તંગ વાતાવરણ બની ગયું હતું.

વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ પોલીસ સાથે રકઝક થતાં જ હાર્દિક બે હાથ ઊંચા કરીને એક જ રટણ કરી રહ્યો છે કે, ચાલો મને મારી નાખો હાલો… જ્યારે એક યુવતી કહે છે કે, મારતા નહીં તો પોલીસકર્મી બોલે છે કે કોઈ નથી મારતું તમારા પપ્પાને. ત્યારે યુવતી બોલે છે કે વિજિલન્સવાળા પૈસા લઈ જાય તોય આવે છે દરોડો પાડવા. બાદમાં યુવતી બેફામ પોલીસને ગાળો દેવા લાગે છે અને કહે છે મને હાથ લગાડ. એક મહિલા બોલે છે કે ૫૦-૫૦ હજાર રૂપિયા લઈ જાય છે. દારૂનો ધંધો મોજથી કરો અમે બેઠા છીએ એવું કહે છે. પોણા બે લાખ રૂપિયા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જાય છે, બાકી આ લેડીઝ મોઢે બુકાની બાંધીને ૨-૨ હજાર લઈ જાય છે. ૨૦ હજાર વિજિલન્સવાળા ડીઝલના લે છે.

વીડિયોમાં મહિલા વધુમાં જણાવે છે કે, પોલીસ અત્યારે રેડ પાડવા આવે છે કે દારૂ પીવા આવે છે તે રીતનું વર્તન કરે છે. ૯૦ હજાર સેટીમાં રાખ્યા હતા તે પણ લઈ ગયા છે. મુદ્દામાલમાં લખ્યા છે તે પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે નહીં તે બતાવો. હાલતા પોલીસવાળા ૪-૪ હજારવાળી દારૂની બોટલ લઈ જાય છે. હાદક દેશી વેચે અને પોલીસવાળાને ૪-૪ હજારવાળી દારૂની બોટલ આપે છે. દર મહિને પોતાના પરિવારને ફરવા માટે દીવ લઈ જાય ત્યારે હાદકને કહે છે કે, હાદક ૨૦ હજારનું બિલ થયું છે, ફ્રીઝ, એસી લઈ દે. દરોડો પાડવા આવ્યા ત્યારે પોલીસ બેઠાં બેઠાં દારૂ કેમ પીતા હતા? જેટલાએ પીધો તેનો ટેસ્ટ કરાવો.

ગોકુલધામ ક્વાર્ટરમાં નામચીન બૂટલેગર હાર્દિક સરાજાહેર દારૂ બનાવતો અને વેચતો હોવાની વધુ એક વખત માહિતી મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ખાબકી હતી. આ ટીમે સ્થળ પરથી ૨૦૦ લિટર દારૂ અને ૩ હજાર લિટર જેટલો આથો જથ્થો જપ્ત કર્યાની પ્રાથમિક માહિતી બહાર આવી હતી. મંગળવારે રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટક્યાની જાણ થતાં માલવિયાનગર પોલીસમાં સોપો પડી ગયો હતો અને કેટલો દારૂ પકડાયો, મોટો જથ્થો છે કે કેમ તે સહિતની માહિતી મેળવવા સ્થાનિક પોલીસ ખાનગી રીતે સક્રિય બની હતી.

અગાઉ વિદેશી દારૂનો વેપલો કરનાર હાર્દિક ચારેક વર્ષથી દેશી દારૂની ભઠ્ઠી શરૂ કરી હતી અને ખજૂરી સહિતના ફ્રૂટનો દારૂ બનાવી તેનું વેચાણ કરતો હતો, ગત તા.૨૬ એપ્રિલના પણ સ્ટેટ મોનિટરિંગ સેલે આ જ સ્થળે દરોડો પાડી દારૂ અને આથાનો મોટો જથ્થો પકડ્યો હતો, વિધાનસભાની ચૂંટણીનું મતદાન તા.૧ ડિસેમ્બરે થવાનું છે, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે શહેર પોલીસે બૂટલેગર અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરી મોટા પ્રમાણમાં અટકાયતી પગલાં ભર્યાં છે તેવો મંગળવારે જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો. ૭ માસ પહેલાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ પરમારે દરોડો પાડી ૧૧ શખ્સોને ઝડપી લીધા હતા. જેની પ્રાથમિક તપાસમાં મિની બાર તેમજ દારૂની ભઠ્ઠી છએક માસથી ધમધમતી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે દરોડા બાદ સૂત્રધાર હાર્દિક પકડાયા બાદ કેટલાક સવાલો ઊઠવા પામ્યા છે. સ્ટેટ વિજિલન્સે ૭ માસમાં બીજી વખત એક જ બૂટલેગરના બાર ઉપર દરોડો પાડ્યો છે ત્યારે પોલીસની બેદરકારી અંગે પગલાં લેવાશે કે કેમ?