ફતેપુરા મામલતદાર કચેરીમાં મધ્યાહન ભોજનની શાખામાં તાલુકાનાં તમામ કેન્દ્રના સંચાલકો આગલા મહિનાના બિલ રજૂ કરવા આવતા હોય છેે. જોકે આ કામગીરીમાં સ્થાનિક કચેરીના કર્મચારીઓ કે જેની જવાબદારી બિલ પર સિક્કા મારવાની હોય છે તે બાજુ પર મૂકીને સરકારી સિક્કા સંચાલકોને જ પધરાવી દઇ મામલતદારના સિક્કા મરાવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ સંચાલકો કચેરીમાં નીચે જ બેસીને દુકાનમાં સિક્કા મારતાં હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ દાહોદ જિલ્લો નકલી સરકારી કચેરી, નકલી હુકમોમાં રાજ્યમાં ચર્ચાની એરણે છે છતાં સ્થાનિક અધિકારીઓને સરકારી સિક્કા બીજાને પધરાવી દેવાની ઘટનાએ વધુ એક આશ્ચર્ય જન્માવ્યું છે.
આ મામલતદારના સિક્કા અન્ય કેટલી જગ્યા પર વપરાયા છે ? તે પણ સવાલો ઉભા કરી રહ્યો છે. દાહોદ શહેરમાં નકલી એનએ કૌભાંડની તપાસમાં કચેરીના કર્મચારીએ જ નકલી હુકમો ઉપર અસલી સિક્કા મારી આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. નકલી એનએ કૌભાંડ બાદ દાહોદ શહેરમાં દરેક કચેરીઓ ચીવટપૂર્વક કામ કરતી જોવા મળી રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ આડેધડ કામગીરી ચાલી રહી છે. જેમાં ફતેપુરા મામલતદાર કચેરીમાં આવેલી મધ્યાહન ભોજન શાખામાં બિલો ઉપર સિક્કા મારવાની જવાબદારી કોની છે ? તે તો વિભાગને જ ખબર. પરંતુ બિલો ભરીને આપવાના હોવાથી અધિકારીની જાણ બહાર ઓપરેટરે મધ્યાહન ભોજન સંચાલકે કચેરીના સિક્કા અને પેડ સોંપી દીધા હતાં.એક દુકાનમાં ભેગા મળીને બિલો ઉપર મધ્યાહન ભોજનના સિક્કા જ નહીં બલકે વાઉચરો ઉપર મામલતદારના સિક્કા પણ ઠોકવામાં આવી રહ્યા હોવાનું જોવા મળ્યુ હતું. અધિકારીની જાણ બહાર મામલતદાર કચેરીની બહાર અસલી સિક્કા જવાના પ્રકરણમાં તેના દુરુપયોગની પૂર્ણ આશંકા હોવા છતાં બેદરકારી ભરી આ કામગીરી કરવામાં આવી રહી છે.
મારી ઓફિસમાંથી સિક્કા કઇ રીતે બહાર ગયા ખબર નથી મધ્યાહન ભોજન ના બિલો પર સિક્કાઓ કઈ જગ્યા અને ક્યાં મારતા હતા? તે મારા ધ્યાને આવેલ નથી. અને મારી ઓફિસ માંથી સિક્કા કેવી રીતે બહાર ગયા અને કોણ લઇ ગયું છે તે મારી જાણ બહાર છે. મારાં આસિસ્ટન્ટ ને ઝેરોક્ષ કાઢાવવા માટે મોકલ્યો હતો તે બિલો બનાવવાની ઉતાવળ હતી. જેના કારણે તે કદાચ સિક્કા લઈ ગયો હશે ? કોણ લઇ ગયું છે તે ચોક્કસ કહી શકતો નથી -કે. કે.તડવી, એમડીએમ શાખા, ફતેપુરા.
કામ જલદી થાય તેથી ઓપરેટરે સિક્કા આપ્યા હતા અમારા ફતેપુરા તાલુકાના 238 કેન્દ્રનાં બિલો ભરીને આપવાના હોવાથી અમે એક દુકાનમાં બેસી કામ કરતા હતા. કામમાં ઉતાવળ થાય તે માટે મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા શૈલેશભાઈ ઓપરેટરે નાથુભાઈ માધવા સંચાલકને સિક્કા અને પેડ આપ્યા હતા. તેથી અમે બિલો ભરી બિલ પર સિક્કા મારતા હતા. -ચંપકભાઈ કટારા, સંચાલક, યુનિયન પ્રમુખ ફતેપુરા
9,500થી વધુ કાગળો હોવાથી કર્મચારી સિક્કા સોંપી દે છે મધ્યાહન ભોજન સંચાલકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતુ કે,દર મહિને બિલો બનાવવા માટે ફતેપુરા જવું પડતું હોય છે. આગલા માસના એક સેન્ટરના લગભગ 40થી 50 પ્રકારના બિલો બનાવવા પડે છે. આમ તો સિક્કા મારવાની જવાબદારી કર્મચારીની જ હોય છે. પરંતુ 239 સેન્ટરના 9500થી વધુ કાગળો હોવાથી અમને સિક્કા આપી દેવાતા હોવાથી અમે જ મારી દઈએ છીએ.