માછીમારોને દરિયો ન ખેડવા સૂચના:દ. ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે; 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી વધી શકે છે

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનનો ફૂંકાઈ રહ્યા છે, એને કારણે ઠંડક અનુભવાય રહી છે. હજુ પણ આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે, કારણ કે ગુજરાત પર આવતા પવનો ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે, એને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ગરમીનો અનુભવ થશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના ભાગો પર એક પ્રેશર ગેડિયન્ટ સર્જાયું છે, એને કારણે પવનની ગતિ વધી છે. ગઈકાલે પણ ગુજરાત પર 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાઈ રહ્યા હતા. આજે પણ મોડીરાત્રે અને વહેલી સવારથી જ મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ઝડપી ગતિએ પવનનો ફૂંકાઈ રહ્યા છે. આજે દિવસ દરમિયાન 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, સાથે ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવતા હોવાથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, જેથી ગુજરાતવાસીઓને થોડા અંશે ગરમીનો અનુભવ થશે. આગામી 24 કલાક દરમિયાન પવનની ગતિ વધુ રહેતાં ગરમીથી રાહત પણ મળી શકે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો પર મુખ્યત્વે ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા હતા, જેને કારણે નલિયાનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 7.6 ડિગ્રી સેલ્સ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું લઘુતમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું હતું. જ્યાં અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 17.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.