
શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ઊંડી ખીણમાં પડી જવાથી જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત ત્રણ સૈનિકોના મોત થયા હતા. ભારતીય સેનાએ આ દુર્ઘટના વિશે જણાવ્યું કે, આ લોકો નિયમિત પેટ્રોલિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા.
દુર્ઘટના વિશે ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક માછિલ સેક્ટરમાં, એક ઊંડી ખીણમાં લપસી જવાથી એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને બે સૈનિકોના મોત થયા હતા. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જેસીઓ અને અન્ય બે જવાન માછિલ સેક્ટરમાં નિયમિત પેટ્રોલિંગ પર હતા ત્યારે ત્રણેય લપસીને ઊંડી ખીણમાં લપસી ગયા હતા.
શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વીટ કર્યું, “આગળના વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ ઓપરેશન દરમિયાન, એક જેસીઓ અને અન્ય બે જવાન બરફમાં લપસીને ઊંડી ખાડીમાં પડ્યા. ત્રણેય બહાદુર જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. અગાઉ ગત વર્ષે ૧૮ નવેમ્બરે માછિલ સેક્ટરમાં જ આવી જ ઘટના બની હતી. સેનાના ત્રણ જવાનો હિમસ્ખલનની ઝપેટમાં આવી જતાં મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના વિશે અધિકારીઓનું કહેવું હતું કે સેનાની ૫૬ રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનો અંકુશ રેખા નજીક કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં હિમપ્રપાતનો ભોગ બન્યા હતા.
આ ઘટના ત્યારે બની જ્યારે ભારતીય સેનાની એક પેટ્રોલિંગ પાર્ટીના બે જવાનો તેમના એક સાથીને માછિલ સેક્ટરમાં સારવાર માટે લઈ જતા સમયે શહીદ થયા હતા. ઘટના અંગે શ્રીનગર સ્થિત રક્ષા મંત્રાલયના જનસંપર્ક અધિકારી કર્નલ આમરોન મુસાવીએ જણાવ્યું કે, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ગનર સોવિક હઝરાને શ્ર્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ કરી હતી.
કર્નલ મૌસાવીએ કહ્યું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચકાસણી બાદ, ગનર સોવિક હઝરાને નજીકની પોસ્ટ પર લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગનર સોવિક હઝરાને લઈ જવા દરમિયાન, કેટલાક પેટ્રોલિંગ કર્મચારીઓ મોટા પ્રમાણમાં હિમપ્રપાતનો ભોગ બન્યા હતા. તેમણે કહ્યું કે નજીકની ચોકી પરથી તરત જ સૈનિકો સાથે શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.