લુણાવાડા,પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડા તાલુકાના કસલાલ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે સાંસદે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરીને તેમના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવા સંકલ્પબધ્ધ છે. સરકારે મહિલાલક્ષી, ખેડૂતલક્ષી, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી તેમજ અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ગ્રામીણ વિકાસને મજબુત કરવાનુ કાર્ય કર્યું છે.
ગ્રામજનોએ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યો-ઉપલબ્ધીઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન આપવા માટે સામુહિક શપથ લીધા હતા. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્યમાન યોજના, કિસાન સન્માન નિધિ, આવાસ યોજના, પોષણ યોજનાના લાભાર્થીઓએ પોતાના સરકારી યોજનાઓના લાભોના અનુભવો જણાવ્યા અને લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી.
આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર તેમજ લાભાર્થીઓને સાંસદ સહીત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી અંગે શીવાભાઈએ માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં રથ ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, તાલુકા સદસ્ય અજય દરજી, જસુભાઇ, સરપંચ, તલાટી સહીત ગામના અગ્રણીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.