લુણાવાડા, મહીસાગર જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ – રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે લુણાવાડા તાલુકાના સાલાવાડા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીનો લાભાર્થીઓ સાથે સંવાદ ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યો હતો.
સંકલ્પ યાત્રા રથ ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, તાલુકા સદસ્ય અજય દરજી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી ડી ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રી લેઉવા, તાલુકા વિકાસ અધિકારી નીધિરાજ પટેલ, સરપંચ સહીત અગ્રણી ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની અનેકવિધ બહુમૂલ્ય યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ સંકલ્પ રથના માધ્યમથી નિહાળી હતી. ઉપરાંત, ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહભાગીદારી અદા કરવાના સામુહિક શપથ લીધા હતા.
સાલાવાડાના સ્થાનિક લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાના જીવનમાં યોજનાકીય લાભથી આવેલા પરિવર્તન અંગે પોતાની સફળ વાર્તા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી.
વધુમાં લોકકલાના કલાકારોએ ભવાઈ વેશના માધ્યમથી ગ્રામજનોને વિવિધ યોજનાઓ અંગે પ્રેરક સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ આરોગ્ય, ખેતીવાડી અને આંગણવાડી સહીત વિવિધ વિભાગના સ્ટોલનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં અગ્રણીઓ, તલાટી, પ્રાથમિક શાળા પરિવાર, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.