લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઢોલના તાલે પરંપરાગત ઉષ્માભેર સ્વાગત

લુણાવાડા,મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદી સરકારની ગેરંટીના રથનું સરપંચ સહીત ગ્રામજનોએ ઢોલના તાલે પરંપરાગત સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં યાત્રા ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, સરપંચ લીલાબેન સોલંકી, ઇન્દુભાઇ સોલંકી, જિલ્લા આયોજન અધિકારી રાહુલ ગુપ્તા, ડે.સરપંચ પ્રતાપભાઈ પટેલીયા, ટીપીઓ મહેશભાઈ, તલાટી કમ મંત્રી, શાળા પરિવાર અગ્રણીઓ રમેશભાઈ, શાંતિલાલ, અધિકારીઓ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોટી ચરેલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉજજવલા યોજના, આયુષ્માન કાર્ડ યોજના તથા પૂર્ણા શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકિય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. જયારે મોટી ચરેલ પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓનું બહુમાન કર્યું હતું. વધુમાં તેમણે યાત્રાના કાર્યક્રમના સ્થળ ઉપર ઉભા કરવામાં આવેલ યોજનાકિય પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈ જાણકારી મેળવી કોઈપણ લાભાર્થી સરકારી લાભથી વંચિત ન રહી જાય તે માટે લાભ લેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત કિસાન સન્માન નિધિ, આવાસ યોજના, પીએમજય યોજના, ઉજ્જવલા યોજના, પોષણ યોજના, સ્વચ્છ ભારત મિશનના લાભાર્થીએ પોતાને મળેલા લાભની વાત કરી હતી. ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિવિધ યોજનાની માહિતી આપતી રથની સ્ક્રીન પર ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સીઆરસી સંજય પંચાલે કર્યું હતું.