લુણાવાડા તાલુકાના મલેકપુરમાં બુટલેગરો દ્વારા વેપારી અને ગ્રામજનો સાથે મારામારી કરતાં વેપારીઓ બજાર બંધ રાખી વિરોધ કર્યો

  • પોલીસ માંડ માંડ જાગી આખરે વેપારીઓના વિરોધને જોતા બુટલેગરને ઝડપયા.

લુણાવાડા,લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં બુટલેગરો બેફામ બન્યા બુટલેગરો દ્વારા દુકાનદારો અને ગ્રામજનો સાથે મારામારી કરતા હોય પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતાં મલેકપુરના વેપારીઓ દ્વારા બજારો બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

મહિસાગર જીલ્લામાં બુટલેગરોને કોઈ કાયદાનો ડર ન હોય તેવી સ્થિતી સામે આવી છે. લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં બુટલેગરોની ગુંડારાજ ચલાવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસ થી બુટલેગરો દ્વારા ગામના દુકાનદારો અને ગ્રામજનો સાથે મારામારી કરતા હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. બુટલેગરો મલેકપુરના ગામના બજારમાં બંદુક બનાવીને દાદાગીરી કરતાં હોય છે. વેપારીઓ દ્વારા બુટલેગરોના આતંકને લઈ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હોય તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં નહિ લેવામાં આવતાં બુટલેગરોને કાયદાનો ડર રહ્યો નથી. આવા બુટલેગરોને પોલીસનો છુપો આર્શીવાદ હોવાથી બેફામ બનીને વેપારીઓને ગ્રામજનો સાથે ખુલ્લેઆમ મારામારી કરતા હોય છેલ્લા લાંબા સમયથી મલેકપુર ગામમાં બુટલેગરોના ત્રાસ થી પરેશાન થયેલ વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વેપારીઓ અને ગ્રામજનો દ્વારા બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આવા બુટલેગરોના આતંકને ખતમ કરવાની માંગ ઉઠતા આખરે પોલીસ એકશનમાં આવી અને બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા.