લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રા.શાળામાં માતૃ-પિતૃ દિવસની ઉજવણી વખતે કોર્ટે સજા કરી હોય તેવા વ્યકિતની ફોટા મુકવાના કિસ્સામાં પાંચ શિક્ષકોની કચ્છ બદલી કરાઈ

લુણાવાડા,

લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રા.શાળા ખાતે 17 ફેબ્રુઆરી એ માતૃ-પિતૃ દિવસની ઉજવણી કરવા દરમિયાન શિક્ષકો દ્વારા કોર્ટ દ્વારા સજા કરવામાં આવી હોય તે વ્યકિતના ફોટાની આરતી ઉતારવાના કિસ્સામાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પાંચ શિક્ષકોની કચ્છ જીલ્લામાં બદલી કરવામાં આવી.

લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રાથમિક શાળા ખાતે 17 ફેબ્રુઆરીના રોજ માતૃ-પિતૃ દિવસની ઉજવણી રાખવામાં આવી હતી. દરમિયાન શાળાના શિક્ષકો પ્રદિપકુમાર હરીદાસ પટેલ, મધુબેન બળવંતસિંહ પગી, ગીતાબેન ચંદુલાલ પટેલ, અંકિતકુમાર મહેશકુમાર પંડયા, બીપીનકુમાર મુળજીભાઈ પટેલ દ્વારા નૈતિક અધ:પતન સાથે સંકળાયેલા વ્યકિતના ફોટાની આરતી ઉતારવામાં આવેલ જે વ્યકિતને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી હોય તેવી વ્યકિતનો શાળાના બાળકો સામે ફોટો મૂકીને આરતી ઉતારવામાં આવી હતી. આ બાબતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગે ગંભીરતાથી લઈને લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રા.શાળાના આચાર્ય તેમજ આ શાળાના ત્રણ શિક્ષકો અને વાવીયા મુવાડા પ્રા.શાળાના શિક્ષકની ખાસ કિસ્સામાં પાંચ શિક્ષકોની બદલી કચ્છ જીલ્લામાં કરવામાં આવી સાથે શિક્ષકો સામે ખાતાકીય તપાસ અને ચાર્જશીટ આપવા હુકમ કરવામાં આવ્યો.

બોકસ:

કડાણા તાલુકાની રણકપુર સરકારી પ્રાથમિક શાળામાં પણ આ કાર્યક્રમ થયો હતો, પરંતુ ધારાસભ્યની ચૂંટણી શિક્ષકોએ ચોક્કસ કોઈ પક્ષને સપોર્ટ કર્યો હોવાને લઇ માત્ર લુણાવાડા તાલુકાના શિક્ષકોને સજા કરવામાં આવી છે. એટલે આ માત્ર આ રાજકીય ખેલ છે.:- નવીનભાઈ ઠાકર, મહીસાગર જિલ્લા નિવૃત શિક્ષણ સંઘના મહામંત્રી….

બોકસ:

ચાલુ વર્ષે લુણાવાડા તાલુકાના કણજાવ અને વીરપુર તાલુકાના લીંબરવાળાના શિક્ષકોનો દારૂ પીધેલો વિડિઓ વાઈરલ થયો હતો. તેમ છતાં તેમના પર કોઈ કાર્યવાહી ન થઈ આ માત્ર ચૂંટણીને ધ્યાને લઈ રાજકીય સ્ટંટ છે.:- જાગૃત વાલી, કૃષ્ણ પટેલ…..