- 6 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ઉપજ થયેલ તુવેર, મગ, મકાઈ, ઘઉ અને મગફળીનું બજાર ભાવ કરતાં ડબલ ભાવમાં વેચાણ કરી રહ્યા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ચલાવવામાં આવી રહેલ મુહિમ થકી દિવસે ને દિવસે ગુજરાત સહિત મહીસાગર જીલ્લામાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે આજના સમયમાં ઝેર મુક્ત ખોરાક, ભયમુક્ત જીવન જીવવાનું લોકો પસંદ કરી રહ્યા છે. જ્યાં એક તરફ બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી એક વાર પ્રકૃતિ તરફ પાછા વળવાનો સમય આવી ગયો છે.
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત પટેલ અશ્ર્વિનભાઈ જણાવે છે કે, હું છેલ્લા પાંચ વર્ષથી મારા 6 એકર જમીનમાં તુવેર, મગ, મકાઈ, ઘઉ, મગફળી, જામફળ અને આંબાની પ્રાકૃતિક ખેતી કરૂં છું. મે મારા ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ બંધ કરી દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરથી જીવામૃત બનાવી તેનો ખેતરમાં છટકાવ કરૂં છું, જેનાથી મારા પાકમાં ઉત્પાદન ખર્ચ ઓછું આવે છે. જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર થકી આપણી જમીનને ખૂબ જ નુકસાન થાય છે. જમીનની અંદર ઉત્પન થતાં અળસિયાનો નાશ થાય છે તે માટે જમીનની ગુણવત્તા જાળવી રાખવા પ્રાકૃતિક કૃષિ ખૂબ ઉપયોગી છે તેના થકી જીવામૃત બનાવી છટકાવ કરવામાં આવે તો તેનાથી અળસિયા પુસ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, જેનાથી જમીન ફળદ્રુપ બને છે અને અનાજ સારા પ્રમાણમાં થાય છે.
અશ્વિનભાઈ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી થતાં અનાજથી સ્વાસ્થય સારૂં રહે છે. બજારમાં મળતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના છટકાવ વાળા અનાજ થી કેન્સર જેવી મોટી બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આવનારી પેઢીને બિમારીઓથી બચાવા અને સારા સ્વાસ્થય માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે.
અશ્વિનભાઈ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ઉપજ થયેલ અનાજ,કઠોળ તેમજ અન્ય ચીજવસ્તુની બજારમાં વેચાણ કરી બજાર ભાવ કરતાં ડબલ ભાવમાં વેચાણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે સરકાર તરફથી ગાય નિભાવ ખર્ચ અંતર્ગત દર મહિને 900 રૂપિયા સહાય મળે છે. સાથે અશ્વિનભાઈ પોતે તો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, પણ તેઓ અન્યોને પણ આ અભ્યાનમાં જોડી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે.