લુણાવાડા,લુણાવાડા જનરલ હોસ્પિટલમાં જનરલ વોર્ડ ફુલ જોવા મળતા દર્દીઓને લોબમાં ખાટલા નાંખી સારવાર અપાઈ રહી છે. જેને લઈ દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગરીબ દર્દીઓ પૈસાના અભાવે મફતમાં સારવાર કરાવવા માટે જનરલ હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે હોસ્પિટલ પાસે પુરતા ઓરડાઓ તેમજ ખાટલાઓના અભાવના કારણે આવા દર્દીઓને બહાર સુવાનો વારો આવ્યો છે. એકબાજુ 43 અસહ્ય ગરમીની વચ્ચે દર્દીઓને બહારની લોબીમાં સુવડાવતા જનરલ હોસ્પિટલો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો સુવિધા ન હોય તો માનવામાં આવે કે દર્દીઓને યોગ્ય સારવાર માટે બહાર સુવડાવે. પરંતુ રાજય સરકાર દ્વારા રૂ.33.16 કરોડનો ખર્ચ કરીને નવીન જનરલ હોસ્પિટલ બનાવી અને તેનુ ઈ-લોકાર્પણ પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરાયુ હતુ. પરંતુ લોકાર્પણ થયાને અંદાજિત 2 મહિનાથી વધુનો સમય થઈ ગયો તેમ છતાં પણ આ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખુલ્લી મુકાઈ નથી. સરકારે યોગ્ય સારવાર મળે તે હેતુસર નવીન હોસ્પિટલનુ નિર્માણ કરવા છતાં પણ હોસ્પિટલ તંત્ર કયા કારણોસર હોસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લી ન મુકતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને નવીન હોસ્પિટલ હાલ તો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ધુળ ખાઈ રહી છે. ત્યારે આ નવીન બિલ્ડિંગ કયારે દર્દીઓના યોગ્ય સારવાર માટે ખુલ્લુ મુકાશે ?